![]()
દક્ષિણ કોરિયાના ગેંગવોન ખાતે આવેલા ઇન્ટરનેશનલ અર્બન ટ્રેનિંગ સેન્ટર (IUTC) માં તાજેતરમાં “મજબૂત પાણી વ્યવસ્થા અને સ્વચ્છતા” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતના વિવિધ રાજ્યો સાથે અન્ય દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્યમાંથી માત્ર વડોદરા કોર્પોરેશન તરફથી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર જતન બધેકાએ આ તાલીમ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા વિષય ઉપર અભ્યાસના આધારે તેમણે વડોદરામાં અમલીકરણ થઈ શકે તેવા ચાર મહત્વપૂર્ણ પરિબળો રજૂ કર્યા હતા. જેમાં ડેમ બેઝ્ડ રો વોટર સ્ટોરેજ એન્ડ કંટ્રોલ રિલીઝ, એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરેશન સિસ્ટમ, સોડિયમ ક્લોરાઇડ ડિસિન્ફેકશન ટેકનોલોજી અને કંટિન્યુઅસ 24×7 સપ્લાય મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. બધેકાએ દક્ષિણ કોરિયાની અદ્યતન જળ શોધન તકનીક દ્વારા સતત અને સ્વચ્છ પાણી પુરવઠા સુનિશ્ચિત કરી શકાય તે અંગે માહિતી આપી હતી. અને ભારત અને કોરિયાની પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા સાથેનું પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું. તેમણે 24×7 જળ પુરવઠાના આધુનિક માર્ગો તથા જળ ઉત્પાદનની નવીન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આઈયુટીસીના પ્રેસિડેન્ટ પ્રોફેસર યુ ક્વાંગ સૂએ આ પ્રસ્તુતિની પ્રશંસા કરતાં દક્ષિણ કોરિયન તકનીકના સ્થાનિક અમલીકરણ માટે તેમની સંસ્થાના સહકારની ખાતરી આપી હતી.










