![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
પહેલી એપ્રિલથી પાનકાર્ડ માટે અરજી કરવા જન્મ તારીખનો પુરાવો આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. નવી અરજીમાં હવે જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે. હાલમાં ઘણા લોકો માત્ર આધારકાર્ડની નકલ રજૂ કરીને પાનકાર્ડ માટે અરજી કરે છે, પરંતુ પહેલી એપ્રિલ ૨૦૨૬ પછી માત્ર આધારકાર્ડ જોડેલી પાનકાર્ડ માટેની અરજીને માન્ય રાખવામાં આવશે નહિ.
પાનકાર્ડની અરજી કરવા માટેના માન્ય દસ્તાવેજોમાં જન્મનું પ્રમાણપત્ર, મતદાતા તરીકેનું ઓળખપત્ર, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ- સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટને જ માન્ય ગણવામાં આવશે. આમ પહેલી એપ્રિલ ૨૦૨૬થી પાનકાર્ડ-પરમેનન્ટ એકાઉન્ટ નંબર માટેની અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારો નવા ઈન્કમ ટેક્સ નિયમો ૨૦૨૬નો હિસ્સો જ છે. પરિણામો ૧૯૬૨ના જૂના નિયમો તેને લાગુ પડશે નહિ. તેને બદલે નવા નિયમો લાગુ પડશે.
પાન નંબર મેળવવા માટેના જૂના ફોર્મ હવે બંધ થશે. પાન કાર્ડની અરજી કરવા માટે જૂનું ફોર્મ નં. ૪૯એ અને ૪૯એએ હવે બંધ કરવામાં આવશે અને તેના બદલે નવા ફોર્મ નંબર ૯૩ દાખલ કરવામાં આવશે. ફોર્મ નંબર ૯૩ ભારતીય નાગરિકો, કંપનીઓ અને અન્ય આકારણી હેઠળના અન્ય કરદાતાઓ માટે લાગુ પડશે. જૂનું ફોર્મ નંબર ૪૯ એ નીકળી જશે. તેમ જ ફોર્મ નંબર ૯૫ વિદેશી નાગરિકો અને હસ્તીઓ-એન્ટિટીઝ માટે જૂના ફોર્મ નંબર ૪૯ એએની જગ્યાએ લાગુ કરવામાં આવશે. તેમ જ ફોર્મ નંબર ૧૩૫ તાન અરજી માટે જૂના ફોર્મ નંબર ૪૯ બીની જગ્યાએ નવું ફોર્મ નંબપ ૧૩૫ ભરવાનું આવશે. ૩૧ માર્ચ ૨૦૨૬ પછી જૂના પ્રિન્ટેડ ફોર્મ માન્ય રહેશે નહીં.
નામમાં સચોટતા ફરજિયાત
નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ પર છપાયેલું નામ તમામ દસ્તાવેજો સાથે સચોટ રીતે મેળ ખાય તે રીતે છપાયેલું હોવું ફરજિયાત રહેશે. આમ કોઈપણ તબક્કે ગેરસમજ અને છેતરપિંડી થતી અટકાવી શકાશે.
પાનકાર્ડ બનશે એકમાત્ર ફાઇનાન્શિયલ ઓળખ
ઈન્કમ ટેક્સ વિભાગ પાનકાર્ડને જ કરદાતાની એકમાત્ર નાણાકીય ઓળખ તરીકે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેની સાથે બાયોમેટ્રિક માહિતી પણ જોડાયેલી રહેશે. નવા પાનકાર્ડમાં એડવાન્સ ક્યૂઆર-QR કોડ મૂકવામાં આવશે. પહેલી એપ્રિલ પછી જારી થનારા પાનકાર્ડમાં એન્હાન્સ્ડ QR કોડ રહેશે. તેથી બેન્કો, નોકરીદાતાઓ, ટેક્સ અધિકારીઓ તાત્કાલિક વેરિફિકેશન કરી શકશે અને નકલી પાન કાર્ડનો ઉપયોગ રોકી શકાશે.










