અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં ચાલતા દેહ વિક્રયના કારોબારમાં બાંગ્લાદેશી યુવતીઓને મોટાપાયે ધકેલવાનું સુવ્યવસ્થિત કૌભાંડ થોડા મહિના પહેલા બહાર આવ્યું હતું. જેમાં બાંગ્લાદેશી યુવતીઓ અમદાવાદના એજન્ટો સાથે મોબાઇલ ફોનથી ચોક્કસ એપ્લીકેશની સંપર્કમાં રહેતી હોવાથી પોલીસ સુધી તેમના કોલ ડીટેઇલની વિગતો પહોંચતી નહોતી. જો કે સોલા પોલીસે પાડેલા દરોડામાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. પરતુ ચોંકાવનારી વિગતો એવી છે કે અમદાવાદના વિવિધ વિસ્તારો અનેક એજન્ટો દ્વારા બાંગ્લાદેશી યુવતીઓને લાવતી ગેંગ સક્રિય થઇ છે. ત્યારે આ વાતનો પુરાવો આપતો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
જે પાલડી સ્થિત સુરભી હોટલનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મુમતાઝ નામની મહિલા સંચાલિકા ગ્રાહકોને ખાસ બાંગ્લાદેશી યુવતીઓ અંગે ખાતરી આપે છે અને ગ્રાહકો પાસેથી બે થી ત્રણ હજાર રૂપિયા વસુલે છે. આ મહિલા સાથે નાગેશ નામના વ્યક્તિનું પણ નામ જોડાયેલું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિડીયો વાયરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને આ ઉપરાત, શાહીબાગ, નરોલ અને ઇસનપુર વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં બાગ્લાદેશી યુવતીઓને લાવતા એજન્ટો અંગે માહિતી મળતા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જેથી આગામી દિવસોમાં બાંગ્લાદેશી યુવતીઓના શોષણના કૌભાંડના ખુલાસા થઇ શકે છે.










