![]()
તને બદનામ કરી અને તારા બન્ને સંતાનોને મારી નાખીશ : 15 વર્ષ પહેલા કલાસમાં જતી હતી ત્યારે કોમ્પ્યુટર શિખવાડતા પોરબંદરના શિક્ષકે દોઢ વર્ષ પહેલા ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પરિચય વધ્યો હતો
પોરબંદર, : પોરબંદરમાં 15 વર્ષ પહેલા કોમ્પ્યુટર કલાસ શીખવા જતી પૂર્વ વિદ્યાર્થિનીને તેના પૂર્વ ટીચર સાથે સંપર્ક થતા પરિચયમાં આવ્યા બાદ જાતીય સબંધ રાખવા માટે દબાણ કરતા અને બદનામ કરી નાખવાની અને તેના બે સંતાનોને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર જાગી છે.
પોરબંદરમાં રહેતી 33 વર્ષની એક પરિણીતાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 15 વર્ષ પહેલા જ્યારે એ વિદ્યાર્થિની અવસ્થામાં હતી. ત્યારે કોમ્પ્યુટર કલાસીસમાં કોમ્પ્યુટર શીખવા જતી હતી.અને ત્યારે ત્યાં કોમ્પ્યુટર ટીચર તરીકે એ સમયે કામ કરતા ચિરાગ હરીશ બદીયાણી સાથે ઓળખાણ થઇ હતી. અને કલાસીસ પૂર્ણ થઇ જતા સંપર્ક પૂરો થયો હતો. અને ત્યારબાદ તેના લગ્ન થયા હતા અને હાલ બે સંતાન છે.
દોઢેક વર્ષ પહેલા પરિણીતાને સોશ્યલ મીડિયામાં ચિરાગ રઘુવંશી નામના શખ્સની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. ફેસબુક ઉપર સંપર્ક થયા બાદ વાતચીત કરતા જાણવા મળ્યુકે રિકવેસ્ટ મોકલનાર તેણીના પૂર્વ કોમ્પ્યુટર શિક્ષક ચિરાગ હરીશ બદિયાણી છે. તેથી બંને મોબાઇલ પર વાતચીત કરતા હતા.અને મિત્રતા બંધાઇ જતા બંનેએ ઘરના સભ્યોને ખબર ન પડે તે રીતે બહાર હરવા ફરવાનું નકકી કર્યુ હતુ. જેથી પરિણીતા ઘરેથી નીકળી ચિરાગ સાથે બહાર ફરવા જતી રહી હતી. પણ તેના પતિ સહિત ધરના સભ્યો જાણ થઇ જતા પરિણીતાએ ચિરાગ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતુ.
પરંતુ ચિરાગને ફરિયાદી મહિલાને અવારનવાર ફોન કરીને જો તે મિત્રતા નહી રાખે અને તેને મળવા નહી જાય તો મહિલાના બે સંતાનોને પણ જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને અવારનવાર મળવા માટે ફોન કરતો હતો.તથા જાતીય સબંધ રાખવાની પણ માંગણી કરતો હતો. અને ખોટી રીતે બદનામ કરી નાખીશ, તને તારા ઘરે આવીને ઉપાડી જઈશ તે પ્રકારની ધમકી આપી હતી. આથી આ શખ્શના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ તેના પતિને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગ હરીશ બદીયાણી સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










