![]()
– વાલીઓએ આચાર્યનું સમર્થન કરતા શિક્ષકોની પોલ ખુલ્લુ
– આચાર્ય, શિક્ષકો અને વાલીઓના નિવેદન લેવાયા, તપાસ અહેવાલ ડીપીઇઓને સોંપાશે
નડિયાદ : વસોની પેટલી પ્રાથમિક શાળામાં વર્ગખંડમાં બાળકોનો ભણાવવાના બદલે મોબાઇલમાં મશગૂલ રહેતા શિક્ષકોને આચાર્યએ ટકોર કરી શિષ્તના પાઠ ભણાવતા ઉશ્કેરાયેલા શિક્ષકોએ આચાર્ય સામે માનસિક ત્રાસના ખોટા આક્ષેપ કરીને ડીડીઓને આવેદન આપ્યું છે. જોકે વાલીઓ આચાર્યના સમર્થનમાં આવ્યા છે. આ મામલે ટીપીઇઓ જવાબદારોના નિવેદન લઇને તપાસ હાથ ધરી છે. આ મામલે ડીપીઇઓને રિપોર્ટ કરશે.
ખેડાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી આચાર્ય નરેન્દ્ર પટેલ અને સ્ટાફ વચ્ચે ગ્રજગ્રાહ ચાલી રહ્યો છે. શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, આચાર્ય તેમને માનસિક ત્રાસ આપે છે અને તપાસમાં જાણવા મળ્યું કે, સરકારના નિયમ વિરૂદ્વ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલ વાપરવા પર આચાર્યે પ્રતિબંધ મૂક્યો હતો અને શિક્ષકો મોબાઇલ વાપરતા ઝડપાતા ઠપકો આપ્યો હતો.આ બાબતે શિક્ષકોને પસંદ ન આવતા એક સંપ થઇને આચાર્ય સામે આવેદનપત્ર આપ્યું હતું. આ મામલે વાલીઓ અને ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.
વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, શાળાના શિક્ષકો વર્ષોથી ચીંટકી રહ્યાં છે આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહેતા શિક્ષકોના કારણે બાળકોના ભાવિ પર અસર થાય છે. સ્વાધ્યાય પોથીમાં પણ પૂરતું લેખન કાર્ય કરવામાં આવતું નથી. આચાર્યએ અનિયમિતતા અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમને બદનામ કરવાનો પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ વિવાદ વકરતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરત પારેખે શાળામાં આચાર્ય, શિક્ષકો અને વાલીઓના નિવેદનો નોંધ્યા છે. શાળાના દફતરો અને હાજરી પત્રકોની ઝીણવચભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસનો અહેવાલ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરાશે : ટીપીઓ
આ સમગ્ર મામલે ટીપીઓ ભરતભાઈએ જણાવ્યું કે ૧૪ માર્ચના રોજ વસોના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ખેડાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને શિક્ષકો તથા સંઘો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શાળાની શિક્ષિકાઓ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશતા અટકાવવા અને પરીક્ષાના સમયે શિક્ષણ બગાડવા જેવી બાબતોની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવશે. આ તપાસના નિષ્કર્ષના આધારે શિસ્ત અને અપીલના નિયમો મુજબ કડક પગલાં લેવામાં આવશે.
બદનામ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. બાળકોને એક કલાક રોડ પર ઉભા રાખ્યા : આચાર્ય
આ મામલે આચાર્ય નરેન્દ્રભાઈએ જણાવ્યુ હતુ કે, ગત શુક્રવારે સફાઈ અને પ્રાર્થના સભામાં શિક્ષકોની બેદરકારી બદલ તેમણે ઠપકો આપ્યો હતો અને સ્ટાફ મીટિંગમાં કામની વહેંચણી કરી હતી. આ બાબતથી ગભરાઈને શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું છે. વધુમાં જણાવ્યું કે શિક્ષકોએ બાળકો અને વાલીઓને ઉશ્કેરીને એક કલાક સુધી રોડ પર ઊભા રાખ્યા છે, જે નિંદનીય છે.










