![]()
વડોદરા,૯ મહિના અગાઉ વડોદરાના પેટ્રોલ પંપના સંચાલક એવા નાના ભાઇએ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી. જોકે, વેપારીનો બચાવ થયો હતો. વેપારી વિરૃદ્ધ તેના ડોક્ટર ભાઇએ જ ૩.૩૮ કરોડની લોન બારોબાર લઇને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં યોગાશ્રમ સોસાયટીમાં રહેતા ડોક્ટર દિલીપભાઈ દેવડાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી છોટાઉદેપુર બોડેલી ખાતે દેવ હોસ્પિટલ છે. વર્ષ ૨૦૦૭માં અમારા નામ પર પેટ્રોલ પંપનું ફોર્મ ભરતા એસ.ટી. કેટેગરીમાં એચ.પી.સી.એલ.નો પંપ લાગ્યો હતો. પરંતુ, બોડેલી ખાતે જગ્યા નહીં મળતા નંદેસરી જીઆઇડીસીમાં બંધ પડેલો પંપ કંપનીએ અમારા નામે ફાળવ્યો હતો. જે પેટ્રોલ પંપ મૌર્વી પેટ્રોલ પંપ તરીકે ચાલુ કર્યો હતો. તેનો તમામ વહીવટ મારો નાનો ભાઈ સુભાષભાઈ (રહે.રાજદીપ સોસાયટી,ગોરવા, વડોદરા) કરતો હતો. ત્યારબાદ મારા ભાઈને પેટ્રોલ પંપ માં ૪૯ ટકાના ભાગીદાર બનાવ્યો હતો અને ૫૧ ટકાના ભાગીદાર અમે હતા. મને દર મહિને એક લાખ રૃપિયા આપવાનું નક્કી થયું હતું.
વર્ષ ૨૦૨૪ માં અમારે બોડેલી ખાતે હોસ્પિટલ બનાવવા માટે પૈસાની જરૃર પડતા લોન માટે ઇન્કવાયરી કરી હતી ત્યારે જાણ થઈ કે , અમારા પેટ્રોલ પંપ પર ઘણી બધી લોનો ચાલે છે. પંપના એેકાઉન્ટન્ટને પૂછતા તેમણે લોનની ડિટેલ આપી હતી. અલગ – અલગ બેંક, ફાઇનાન્સ કંપની તથા પ્રાઇવેટ લોકો મળી કુલ ૧૫ લોકો પાસેથી કુલ ૩.૩૮ કરોડની લોન લીધી હોવાનું જણાયું હતું. આ તમામ લોન મારી જાણ બહાર બારોબાર લીધી હતી.
લોન કૌભાંડ પકડાયા પછી પણ
પરિવારના કહેવાથી ભાઇને પમ્પ ચલાવવા આપ્યો
પાંચ વર્ષમાં દેવું ભરપાઇ કરી દેવાની ખાત્રી આપી હતી
વડોદરા,
ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે, મારા ભાઈને પૂછતા તેણે લોન લીધી હોવાનું સ્વીકારી આશરે ૬ કરોડનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યોએ સાથે મિટિંગ થયા પછી તેઓના કહેવાથી પાંચ વર્ષ સુધી પેટ્રોલ પંપ સુભાષભાઈ ને ચલાવવા આપવાનું નક્કી થયું હતું. ત્યાં સુધી તેઓ તમામ દેવું પૂરૃં કરી દેશે તેવું કહેતા હું તૈયાર થયો હતો. આ અંગે લખાણ પણ કર્યું હતું. તેમછતાં તેણે પેટ્રોલ પંપ વ્યવસ્થિત ચલાવ્યો નહતો અને છ મહિનાથી બંધ કરી દીધો હતો.










