![]()
વડોદરા, તા.23 વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર બહેનના અવસાન નિમિત્તે વતનમાં જતા એક આઘેડને બે શખ્સોએ ધારદાર ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી લીધા હતા તેમજ મોબાઇલમાંથી ઓનલાઇન રૃા.૧.૧૩ લાખ ટ્રાન્સફર કરી લેતા પોલીસ અને આરપીએફના કડક પેટ્રોલિંગના દાવા પર પ્રશ્નો ઉઠયા છે.
શહેરના ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલ અજયનગરમાં રહેતા મૂળ બિહારના ઉપેન્દ્રકુમાર દિનેશ્વર ગીરી (ઉ.વ.૫૫)એ રેલવે પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી મોટી બહેન ગૌરીદેવીનું અવસાન થયું હોવાથી મારે બિહારમાં આસનસોલ જવા માટે તા.૨૦ના રોજ પારસનાથ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન હોવાથી મારો પુત્ર મને છાયાપુરી રેલવે સ્ટેશન પર મૂકી ગયો હતો.
રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ હું પ્લેટફોર્મ નંબર-૧ પરની લિફ્ટમાં બેસી ફૂટ ઓવરબ્રિજ તરફ જતો હતો ત્યારે એક શખ્સ આવ્યો હતો અને તમારે ક્યાં જવાનું છે તેવી વાતચીત કરી આજથી ટ્રેનમાં કાર્ડ કઢાવવાનો નવો નિયમ શરૃ થયો છે તેમ કહ્યું હતું. અમે ફૂટ ઓવરબ્રિજની નીચે ઉતરતી લિફ્ટ દ્વારા પ્લેટફોર્મ નંબર-૨ પર આવ્યા હતાં. આ વખતે અન્ય એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતાની પાસેની પૈસાની થપ્પી મારી સાથે આવેલા શખ્સને આપી કાર્ડ કઢાવવાની વાત કરી હતી.
મને વિશ્વાસ આવતા મેં પણ વાત કરી હતી અને મારો મોબાઇલ તેમજ પાસવર્ડ અને પેટીએમનો પીન નંબર પણ તેને આપતા મને દાદર પાસેની લિફ્ટની પાછળના ભાગે અંધારામાં લઇ ગયો હતો. જેની પાસે મારો મોબાઇલ હતો તેણે આગળથી અને પૈસાની થપ્પી આપેલ તે શખ્સે પાછળ આવી બંનેએ મને ઘેરી લઇ ચપ્પુ બતાવી ધમકી આપતા મેં ૧૫ ગ્રામ વજનની સોનાની ચેન, તેમજ બે સોનાની વિંટી અને મોબાઇલ તેમને આપી દેતા બંને રેલિંગ કૂદીને અંધારામાં ખેતરો તરફ ભાગી ગયા હતાં. રાત્રે હું મારા ઘેર જતો રહ્યો હતો અને સવારે બેંકોના એકાઉન્ટ ચેક કરતાં ત્રણ બેંકમાંથી યુપીઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૃા.૧.૧૩ લાખ ઉપડી ગયા હતાં. કુલ રૃા.૧.૮૨ લાખની લૂંટ તેમજ આઇટી એક્ટ મુજબ પડાવી લીધા હોવાની ફરિયાદના પગલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










