![]()
Vadodara Corporation : વડોદરા શહેરના ફતેગંજ અને હરીનગર બ્રિજ નીચે ઉભા કરવામાં આવેલા રમત ગમત સંકુલના સંચાલનની કામગીરી સારી રીતે થઈ શકતી નથી. મ્યુનીસીપલ કમિશનરે તેનું સંચાલન વડોદરા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન (VSPF)ને સોંપ્યા બાદ હવે ફાઉન્ડેશને એનું સંચાલન અન્યને સોંપવા ટેન્ડર બહાર પાડ્યા છે. ત્યારે હવે બંને બ્રિજ નીચે રમતગમત સંકુલનું સંચાલન કોણ કરશે? એ અંગે સવાલો ઉઠવા પામ્યા છે. વીએસપીએફએ તેનું સંચાલન કરવામાંથી આડકતરી રીતે ખસી જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે!
કોર્પોરેશને શહેરના ફતેગંજ અને હરીનગર બ્રિજ નીચે રમત ગમત સંકુલ બનાવી આવક ઊભી કરવાનું આયોજન વિચાર્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને રમત ગમત સંકુલ તૈયાર હોવા છતાં તેના સંચાલનમાં અનેક વિક્ષેપ ઊભા થઈ રહ્યા છે. સૌ પ્રથમ વખત આ મામલે એક ખાનગી સંસ્થાએ અરજી કરી તેના સંચાલનની તૈયારી બતાવી હતી પરંતુ ત્યારબાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સીધે સીધી અરજીના આધારે તેની કામગીરી સોંપવાના બદલે ટેન્ડર મંગાવ્યા હતા. જે બાદ ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક ઇજારદારનું ટેન્ડર આવ્યું હતું. ટેન્ડર ખોલવા ટેન્ડર કમિટી સમક્ષ રજૂ કરી તેને ઓપન કરવાના બદલે ચાલુ ટ્રેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરે ફતેગંજ અને હરિનગર બંને બ્રિજનું સંચાલન વડોદરા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને તેનું સંચાલન સોંપવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડા જ દિવસમાં વીએસપીએફ દ્વારા બંને રમત ગમત સંકુલનું સંચાલન કરવામાં હાથ ઊંચા કરવાના શરૂ કરી દીધા છે અને વીએસપીએફએ બંને જગ્યા ખાતેની કામગીરીના સંચાલન માટે પોતાના તરફથી ટેન્ડર બહાર પાડ્યા છે. જેના આધારે હવે પાલિકાની માલિકીની જગ્યામાં નવી પેટા કંપનીને તેનું સંચાલન કરવાની જવાબદારી સોંપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સ્ટેન્ડિંગમાં આ કામ વીએસપીએફને આપવા સામે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ વાંધો લીધો હતો. જ્યારે કમિટીના તમામ સભ્યોએ કમિશનરના નિર્ણય અંગે સમર્થન આપ્યું હતું. સમગ્ર ઘટના પરથી વીએસપીએફના સંચાલકો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુમાં કયામાં રહ્યા નથી તેવું લાગે છે!
ફિઝિકલી રમત શક્ય ન હોવા છતાં ટેનિસ કોર્ટ બનાવાઈ
ફતેગંજ અને હરિનગર બંને બ્રિજ નીચે માત્ર બોર્ડ ગેમ એટલે કે બેસીને રમી શકાય તેવી રમત જગ્યાના આધારે શક્ય છે. તેમ છતાં અહીં ફિઝિકલ રમત રમાડી શકાય તેવું દર્શાવી અહીં ટેનિસ કોર્ટ બનાવવામાં આવી છે અને તે માટેના પટ્ટા પણ પાડી દેવાયા છે. આ સાથે અહીં ચેસ અને કેરમના ટેબલ પણ ગોઠવીને અન્ય રમત રમાડી શકાય તેવું દર્શાવવામાં આવ્યું છે.









