![]()
ભેળસેળ રોકવા ને સબસ્ટાન્ડર્ડ દવાને નિયંત્રણમાં લેવા વસાવેલા સાધનો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં વેચાતા ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થના વેપારીઓ પર દરોડા પાડીને સેમ્પલ્સ કલેક્ટ કરીને ચકાસણી માટે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કમિશનરના વડપણ હેઠળ ચાલતી વડોદરા અને રાજકોટની લેબોરેટરીઓમાં કરોડાના ખર્ચે વસાવવામાં આવેલા અત્યાધુનિક સાધનોનો ત્રણ-ત્રણ કે ચાર-ચાર વર્ષથી કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી. તમને સાંભળીને નવાઈ લાગશે કે અત્યાધુનિક મશીનોથી સેમ્પલની ચકાસણીના પરિણામે વધુ ચોકસાઈપૂર્ણ આવતા હોવા છતાંય તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. વડોદરામાં જુનિયર સાયન્ટિફિક ઓફિસર અને તેમના ઉપરી અધિકારી આ સ્થિતિ માટે જવાબદાર હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. છ જૂન ૨૦૨૫ની પ્રિન્સિપાલ સેક્રેટરી અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની વડોદરાની લેબોરેટરીની મુલાકાત દરમિયાન પણ દવાના પરીક્ષણ માટેના સાધનો બંધ હાલતમાં વપરાયા વિના પડયા હોવાનું જોવામ ળ્યું હતું. આ સાધનો છ માસથી ઇન્સ્ટોલ કરવાના બાકી હોવાથી ઉપયોગમાં ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એફએસએસએઆઈએ આ સાધનો વાપરી શકાય તેમ હોવાનું જણાવ્યું હોવાથી તેની ખરીદી કરવામાં પણ લોલેલોલ ચાલતું હોવાનું જણાય છે.
વડોદરા લેબોરેટરી માટે ખરીદવામાં આવેલા ઓટોમેટેડ ઇન્ક્યુબેટિંગ રીડર, મોડેલ ઈવીઆઈ સાઈટ કોમ્પેક્સ સિસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. બીજીતરફ રાજકોટ લેબોરેટરી માટે વસાવવામાં આવેલા લેમિનાર એર ફ્લો, બીઓડી ઇક્યુબેટર, બાયોસેફ્ટી કેબિનટર જેવા સાધનોનો પણ ઉપયોગ કરવામાં ન આવતો હોવાનું જણાવવામાં આવ્યું છે. કેગના અધિકારીઓએ પણ આ બંને ેલબોરેટરીઓના પરફોર્મન્સ અંગે કરેલી તપાસમાં લેબોરેટરીના ઘણાં સાધનો ન વપરાતા હોવાનું અને તેને માટેનો ખર્ચ માથે પડયો હોવાની નોંધ કરવામાં આવી હોવાનું જણાય છે. જૂન ૨૦૨૫માં જ આ અંગે સ્પષ્ટતા કરતો એક પત્ર વડોદરાના સંયુક્ત કમિશનર ચકાસણીએ લખવાની ફરજ પડી છે. જે સેમ્પલના રિઝલ્ટ મળતાં ૧૪ દિવસનો સમય લાગે તે સેમ્પલ અત્યાધુનિક મશીનરીમાં ૧૪કલાકમાં રિઝલ્ટ મળી જાય છે. છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ આ મશીનો ઉપયોગ ચાલુ કરી દેવા માટે વારંવાર મૌખિક સૂચના આપી હોવા છતાંય સ્થાપિત હિતોનો ટેકો ધરાવતા માથાં ભારે અધિકારીઓ તેનો ઉપયોગ જ કરતાં નથી. પરિણામે કરદાતાના પૈસામાંથી ખરીદવામાં આવેલા સાધનો પાછળનો ખર્ચ એળે જઈ રહ્યો છે. ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થની માફક નબળી ગુણવત્તાની દવાઓ પણ પકડી પાડવામાં તેનાથી સફળા મળી રહી છે.
૨૦૧૯થી ૨૦૨૨ના ત્રણ વર્ષ દરમિયાન દવાના અને ખાદ્યસામગ્રીના ચકાસણી માટે આવેલા નમૂનાની ચકાસણી કર્યા પછી ૨૨ ટકા નમૂનાનું પરિણામ જાહેર જ કરવામાં ન આવ્યું હોવાની કબૂલાત કરવામાં આવી છે. પરિણામે સેમ્પલની ચકાસણીમાંલોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળીયા ખાદ્યપદાર્થ વેચતા વેપારીઓને મદદ કરવામાં આવી રહી હોવાનું જણાય છે.
વડોદરા માટે વસાવવામાં આવેલા ઓટોમેટેડ ઇન્ક્યુબેટર અને મોડલે એવીઆઈ-સાઈટ કોમ્પેક્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં ન આવતો હોવાની વિશેષ નોંધ કરવામાં આવેલી છે. આ સાધનો ચલાવવા માટે અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી નથી. પરિણામે સાધનો વપરાયા વિના જ પડયા રહ્યા છે.
દવાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં વિલંબ કરીને મેન્યુફેક્ચરર્સને મદદ
પ્રયોગશાળામાં દવાની ચકાસણીના આવતા નમૂનાઓની ચકાસણી કરવામાં વિલંબ કર્યા પછી તેના પરિણામો જાહેર કરવામાં તે સબસ્ડાન્ડર્ડ હોવાનું પ્રસ્થાપિત થયાનો સંતોષ લેબોરેટરીના અધિકારીઓ લઈ લે છે. વાસ્તવમાં આ વિલંબ કરવા પાછળનો હેતુ સબસ્ટાન્ડર્ડ દવાઓ બનાવનારાઓની દવા વેચાઈ જાય તે જોવાનો છે. ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનરે દવાઓની ચકાસણીના આંકડાં અને તેની વિગતો સિફતથી દબાવી રાખી હતી. આ મહિલા અધિકારી લાંચ લેવાના પ્રકારણમાં પણ સરકારની નારાજગીનો ભોગ બન્યા હતા. છેલ્લા દસ વર્ષમાં સેમ્પલ લીધાની તારીખ અને લેબોરેટરીમાં પરીક્ષણ કરીને સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું જાહેર કર્યાની તારીખ વચ્ચેના ગાળાની ચકાસણી કરવામાં આવે તો લેબોરેટરીના અધિકારીઓની આ યુક્તિ પરથી પડદો ઊંચકાઈ શકે છે. ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ ૪૫(૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ નમૂનો મળ્યા પછીના ૬૦ દિવસની અંદર તેનું પરીક્ષણ કરીને રિઝલ્ટ જાહેર કરી દેવાનો નિયમ છે.










