![]()
બેન્ક કર્મચારીના પુત્રને અમેરિકામાં અભ્યાસ કરવા માટે મોકલવાનું કહી 3.42 લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી તળાવની પાસે દેસાઇ નગરમાં રહેતા અશોક બાબુભાઇ પરમાર ઇન્ડિયન ઓવરસિઝ બેન્કમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પુત્ર ચિરાગે એમ.એસ.યુ.માં બી.કોમ.નો અભ્યાસ પૂરો કર્યો હતો. એપ્રિલ-2024માં મારા પિતરાઇ ભાઇ વિજય પરમારના દીકરા ધ્રુવને યુ.એસ.એ.માં અભ્યાસ કરવા માટે મોકલવાના કામ માટે અક્ષય ડાહ્યાભાઇ ચૌધરી (રહે. સેક્ટર 24, કિશાન નગર, ગાંધીનગર) ને મારા ઘરે લઇ આવ્યા હતા. અક્ષયે જણાવ્યું હતું કે, હું તમારા દીકરાને ઓછી રકમમાં વિદેશ મોકલી આપીશ. મારા પિતા સરકારી કર્મચારી હતા. તેમનું વર્ચસ્વ સારું છે. મારા દીકરાએ વિદેશ જવા માટેની પરીક્ષાઓ પાસ કરી હતી. ત્યારબાદ અમે તેના સંપર્કમાં સતત રહેતા હતા. પરંતુ, મારા દીકરાની ફાઇલ રિજેક્ટ થઇ હતી. અક્ષય તથા તેના પિતાએ મને એવો ભરોસો આપ્યો હતો કે, તમે તાત્કાલિક 4 હજાર ડોલરની વ્યવસ્થા કરી દો એટલે હું તમારા દીકરાને તરત યુ.એસ.એ. મોકલી આપીશ અને તેનો અભ્યાસ પણ એમ.બી.એ.માં સેટ કરી દઇશું. અક્ષયના કહેવાથી અમે 3.42 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. બીજા પાંચ લાખ તમારા દીકરાનું એડમિશન થઇ જાય એટલે અમને આપવાના રહેશે. ત્યારબાદ મારા દીકરાનું એડમિશન નહીં કરાવી અમારા રૂપિયા પણ પરત આપ્યા નહતા.










