![]()
જેતપુર અને સોમનાથમાં ટ્રાફિક નિયમોની ધજ્જિયા
ભાજપમાં બળુકા ગણાતા જયેશ રાદડિયા અને કોંગ્રેસી વિમલ ચુડાસમાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ
જેતપુર,વેરાવળ: અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર દ્વારા થોકબંધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો ધમધમાટ ચાલુ છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમોમાં જનતાના પ્રતિનિધિઓ જ કાયદાનું પાલન કરવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નવી બસોને લીલી ઝંડી આપ્યા બાદ પોતે સ્ટીયરીંગ સંભાળ્યું હતું, પરંતુ આ દરમિયાન તેઓએ સીટબેલ્ટ ન બાંધીને ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ઉહાપોહ મચી ગયો છે.
જેતપુર ખાતે નવી એસ.ટી. બસોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહમાં આવીને તેઓ પોતે ડ્રાયવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવી હતી. જેનો વીડિયો બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમણે સીટબેલ્ટ પહેર્યો નહોતો. એક જવાબદાર નેતા તરીકે ટ્રાફિકના પાયાના નિયમની અવગણના ચર્ચાનો વિષય બની છે. આવી જ ઘટના સોમનાથમાં પણ જોવા મળી હતી. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ નવી બસના લોકાર્પણ સમયે ડ્રાયવિંગ સીટ સંભાળી હતી. તેમણે પણ સીટબેલ્ટ વગર જ બસ હંકારી હતી. સોશિયલ મીડિયામાં આ બંને નેતાઓના વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ‘શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?’
અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, શું ધારાસભ્ય પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટની હેવી બસ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈપણ હેવી કોમશયલ વાહન ચલાવવા માટે ખાસ પ્રકારના લાયસન્સ અને ટ્રેનિંગની જરૂર હોય છે. જો કોઈ સામાન્ય નાગરિક લાયસન્સ વિના કે ટૂ-વ્હીલર પર હેલ્મેટ વિના પકડાય તો પોલીસ અને આરટીઓ તેને આકરો દંડ ફટકારે છે, કાયદાનો પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જેઓ ખુદ કાયદાના ઘડવૈયા ગણાય છે, તે જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે ત્યારે આ તંત્ર કેમ આંખ આડા કાન કરે છે?
– ટ્રાફિક નિયમનનો દંડ ફક્ત આમજનતા ભરે ? લોકરોષ
સામાન્ય નાગરિક જો ટ્રાફિક સિગ્નલ પર દોરેલા પટ્ટાથી થોડું જ આગળ વાહન ઉભું રાખે તો પણ રૂા.૫૦૦ દંડ ફટકારી દેવામાં આવે છે. જ્યારે અન્ય ટ્રાફિક દંડની તો વાત જ સામાન્ય વર્ગના વાહનચાલકોને ફફડાવી દે છે. પરંતુ હવે જેતપુર અને સોમનાથના બંને ધારાસભ્યોએ જ સીટબેલ્ટ વગર એસ.ટી. બસ ચલાવી છે તો ટ્રાફિક પોલીસ મેમો ફાડશે ? પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.









