![]()
મુંબઈ : નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં ભારતીય સિક્યુરિટીઝમાં ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)નું હોલ્ડિંગ વધી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. સમીક્ષા હેઠળના ગાળામાં વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા હોવા છતાં તેમના હોલ્ડિંગમાં વધારો જોવા મળ્યો છે.
નવેમ્બરના પ્રથમ પંદર દિવસમાં એફપીઆઈની એસેટ અન્ડર કસ્ટડીનું મૂલ્ય વધી રૂપિયા ૮૧.૫૩ ટ્રિલિયન રહ્યું હતું, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદ સૌથી ઊંચુ છે. રૂપિયા ૮૧.૫૩ ટ્રિલિયનમાંથી રૂપિયા ૭૪.૨૮ ટ્રિલિયન ઈક્વિટીસમાં રોકવામાં આવ્યા છે જ્યારે બાકીની રકમ ડેબ્ટ તથા હાઈબ્રિડ સાધનોમાં રોકવામાં આવી હોવાનું એનએસડીએલના ડેટા પરથી કહી શકાય છે.
શેરબજારમાં વધારા સાથે વિદેશી રોકાણકારોના રોકાણ આંકમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી૫૦માં દોઢ ટકા જેટલો વધારો થયો છે.
એકંદર હોલ્ડિંગમાં વધારા છતાં વિદેશી રોકાણકારો સાવચેતી ધરાવી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં તેમણે રૂપિયા ૩૧૬૬ કરોડની ઈક્વિટીસનું વેચાણ કર્યું છે જ્યારે ઋણ સાધનમાં રૂપિયા ૨૬૯૩ કરોડનું રોકાણ કર્યું છે.
ઓકટોબરમાં એફપીઆઈએ ઈક્વિટીસમાં રૂપિયા ૧૦૨૮૫ કરોડ અને ઋણ સાધનોમાં રૂપિયા ૧૬૧૨૪ કરોડ ઠાલવ્યા હતા.
વર્તમાન વર્ષમાં એફપીઆઈએ આઈટી, કન્ઝયૂમર સર્વિસીઝ, હેલ્થકેર, પાવર, એફઅએમસીજી તથા ફાઈનાન્સિઅલ સર્વિસીઝ ક્ષેત્રના સ્ટોકમાંથી પીછેહઠ કરી છે જ્યારે ટેલિકમ્યુનિકેશન તથા ઓઈલ એન્ડ ગેસમાં ઈન્ફલોસ રહ્યો છે.
ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર તાણ હળવી થવાની વધી ગયેલી શકયતાએ રોકાણકારોનું માનસ સુધર્યું છે જેને પરિણામે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસે ગુરુવારે વિક્રમી સપાટી તરફ આગેકૂચ જારી રાખી હતી.
ભારતીય કંપનીઓમાં ડિસેમ્બર ૨૦૨૦થી વિદેશી રોકાણકારોના હોલ્ડિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૦ના અંતે વિદેશી રોકાણકારોનું ભારતીય કંપનીઓમાં હોલ્ડિંગ જે ૨૧.૨૦ ટકા હતું તે હાલમાં ૧૬.૭૦ ટકા પર આવી ગયાનું પણ આ અગાઉ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
પ્રાપ્ત ડેટા પ્રમાણે સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો રોકાણ હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધી ૧૮.૨૫ ટકા રહ્યો હતો.










