![]()
– 12 મીથી દોઢ માસ સુધી લોકલ ટ્રેનો કેન્સલ રહેવાની હોય
– સરકારી વાહનોનો લાભ નહીં મળે તો ખાનગી વાહનચાલકો મુસાફરોને લૂંટે તેવી દહેશત
પાલિતાણા : ભાવનગર રેલવે દ્વારા પિટ લાઈનના કામને કારણે બ્લોક લેવામાં આવનાર હોવાથી પાલિણાણા, બોટાદ, સુરેન્દ્રનગર વગેરેની ટ્રેનો દોઢ માસ માટે કેન્સલ રહેવાની હોય, ત્યારે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા આ તમામ શહેરો માટે વધુ બસો દોડાવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
૧૨મી ડિસેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેવાનો છે. આવા સંજોગોમાં હાલની લગ્નસરાની સિઝન અને પાલિતાણામાં જૈન યાત્રિકોની કાયમી ધસારો રહેતો હોય તેમજ પાલિતાણાના સ્થાનિકો નોકરી-ધંધા, અભ્યાસ અને હટાણાં માટે ભાવનગર અપડાઉન કરતા હોય, તેમની સુવિધા માટે એસ.ટી. તંત્રએ સવાર અને સાંજના સમયે પાલિતાણા-ભાવનગર-પાલિતાણા વચ્ચે એકસ્ટ્રા સંચાલનો હાથ ધરવા તેમજ બોટાદ અને સુરેન્દ્રનગર સુધી પણ વધારાની બસો દોડાવવા જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને પાલિતાણાના માજી ધારાસભ્યએ વિભાગીય નિયામકને લેખિતમાં રજૂઆત કરી છે. વધુમાં અવર-જવર માટે સરકારી વાહનોનો લાભ નહીં મળે તો ખાનગી વાહનચાલકો મુસાફરોને લૂંટે તેવી પણ દહેશત તેમણે વ્યક્ત કરી હતી.










