![]()
અગાઉ અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક ઈનહાઉસ બનાવનાર : બૌદ્ધિક નેતાઓ- અફ્સરો હાંસિયામાં ધકેલાયા, હવે દરેક વાતે કન્સલ્ટન્ટ રોકવા : મ્યુનિ. સેવાઓનું ખાનગીકરણ કરવાની હોડ
રાજકોટ, : 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં વિકાસની સાથે બૌધિક પીછેહઠ શરૂ થઈ છે. અસંખ્ય પ્રકારની કામગીરી કે જે અગાઉ મનપાના જ વ્યવહારૂ જ્ઞાાન ધરાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ ઈનહાઉસ કરતા તે માટે હવે જાણે કે મનપાએ બુધ્ધિમત્તાનું દેવાળુ ફૂંક્યું હોય તેમ જંગી ખર્ચે કન્સલટન્ટ રોકીને કરાવાય છે. હવે વૃક્ષારોપણ માટે અને હેરીટેજના નામ ઉપર પણ સલાહ ખરીદવા ટેન્ડર બહાર પડયા છે.
ખુદ મનપાએ રાજકોટમાં ત્રિકોણબાગેથી ટ્રેન ચાલતી, રેસકોર્સમાં ગધેડા અને બાદમાં ઘોડાની રેસ થતી અને પ્રથમ લાલપરી-રાંદરડા તળાવ બન્યો તે સહિતની હેરીટેજ વિગતો એકત્ર કરીને પ્રદર્શન યોજ્યું અને હવે શહેરનું હેરીટેજ ગણાય તેવા મકાનો, બિલ્ડીંગો, સ્થળો, પરંપરા, સાહિત્ય, કલા વગેરેની માહિતી સ્થાનિકે આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં આ માટે સલાહકારને ખટાવાશે. આ જ રીતે શહેરની જમીન ઉપર 50 વર્ષથી વૃક્ષારોપણ કર્યા બાદ હવે શહેરની જમીન માટે ક્યા વૃક્ષો વાવવા યોગ્ય તેનું જ્ઞાન મેળવવા પણ સલાહકાર નિમાશે. ઉપરાંત મવડી જિમ અને 11 સર્કલો વિકસાવવાનું પણ ખાનગીકરણ થશે. અગાઉના બૌધિક, વિચારશીલ નેતાઓ અને કાર્યકુશળ અધિકારીઓ ભૂતકાળ બન્યા છે, હયાત છે તેઓ હાંસિયામાં ધકેલાયા છે. આથી શાસકો અને અફ્સરા કોઈ પણ કામગીરી માટે હવે મગજ પણ બહારથી ભાડે લે છે.વળી,મેળવેલી કન્સલટન્સી મૂજબ કામ થતું નથી, સફાઈમાં નંબર મેળવવા કરોડોના ખર્ચે સલાહ બાદ આ વર્ષે મનપાનો છેક 19મો નંબર આવ્યો છે જે પહેલા નં. 7 હતો.
આ અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે હવે ઈનહાઉસ એટલે કે પ્રજાની તિજોરીમાંથી ખર્ચ કર્યા વગર અધિકારીઓ દ્વારા પોલીસી કે પ્રોજેક્ટ બનાવવા સમય નથી અને આવી લીડ લે તેવો સ્ટાફ નથી. વાસ્તવમાં આવી કામગીરી કરનારાને ઉત્તેજનનો અભાવ અને પ્રોજેક્ટોના સંચાલનથી માંડી વિવિધ નીતિ-નિયમો બનાવવા સક્ષમ હોય તો પણ ખાનગી પાર્ટીને ખટાવવામાં રસકશ લેવાય છે.










