Maharashtra Politics: મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર એવા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (શરદ પવા જૂથ)એ સાથે મળીને લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધને પક્ષમાં ભડકો કર્યો છે અને શરદ પવાર જૂથના કદાવર નેતા પ્રશાંત જગતાપે પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
પવાર પરિવારમાં ફરી એકતા, પણ કાર્યકરોમાં નારાજગી
અહેવાલો અનુસાર, શુક્રવારે (26મી ડિસેમ્બર) અજિત પવાર અને શરદ પવાર બંને જૂથના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મહત્ત્વની ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે બંને જૂથો પુણે અને પિંપરી-ચિંચવાડની મ્યુનિસિપલ ચૂંટણીમાં ગઠબંધન કરવા તૈયાર થયા છે.
આ પણ વાંચો: ‘અમને બચાવી લો, સરહદો ખોલો…’ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશી હિન્દુઓ ભયભીત, ભારતને કરી અપીલ
પ્રશાંત જગતાપનો બળવો
પુણેના પૂર્વ મેયર અને NCP (શરદ પવાર જૂથ)ના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપ અજિત પવાર સાથેના ગઠબંધનથી નારાજ હતા. તેમણે શરદ પવાર જૂથ છોડીને મુંબઈ સ્થિત તિલક ભવનમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘મારી લડાઈ જાતિવાદ અને ભ્રષ્ટાચાર સામે છે અને હાલમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકાર આપી શકે છે.’ આ ઉપરાંત તેમની સાથે પુણે NCP (શરદ જૂથ)ના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકલે પ્રશાંત જગતાપનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં જ્યારે પક્ષો માત્ર સત્તા અને પૈસા માટે ભાગતા હોય છે, ત્યારે પ્રશાંત જગતાપ વૈચારિક કારણોસર કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પર ચાલે છે અને આ જોડાણથી 15મી જાન્યુઆરીની ચૂંટણીમાં પાર્ટી વધુ મજબૂત બનશે.’
આગામી ચૂંટણીના સમીકરણો
15મી જાન્યુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીમાં પવાર પરિવારની એકતા અજિત પવાર માટે પુણેમાં પોતાની પકડ મજબૂત કરવાની તક છે, પરંતુ શરદ પવારના વફાદાર કાર્યકરોનું કોંગ્રેસમાં જવું તે ગઠબંધન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસે આ ભરતીને પોતાની તાકાતમાં વધારો ગણાવ્યો છે, જે સ્થાનિક સ્તરે ત્રિપાંખિયા જંગ તરફ ઈશારો કરે છે.
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ ચૂંટણી પહેલા પવાર પરિવારનું મિલન મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય લખશે, પરંતુ પ્રશાંત જગતાપ જેવા પાયાના નેતાઓની વિદાયથી શરદ પવાર જૂથને પુણેમાં ફટકો પડી શકે છે.










