![]()
રાજકોટની મહિલાએ જામનગર રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી : અવારનવાર દિવ, રાજકોટની હોટલોમાં શરીરસંબંધ બાંધ્યા, દ્વારકાની હોટલમાં મંગળસુત્ર પહેરાવ્યું
રાજકોટ, : શહેરમાં રહેતી 30 વર્ષની પરણિતાને જામનગર રહેતા તેના પતિના માસીના પુત્રએ લગ્નની લાલચ આપી અવારનવાર શારિરીક સંબંધ બાંધી લગ્નનો ઈન્કાર કરી દીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, 2016માં તેના લગ્ન થયા હતાં. સંતાન પ્રાપ્તી થઈ નથી. એકાદ વર્ષ પહેલા તેના પતિનો માસીનો પુત્ર એવો આરોપી અવારનવાર તેના ઘરે આવતો હતો. તેને સંતાન થતા ન હોવાથી તેની દવા માટે જામનગર બોલાવતા સાસુ સાથે ગઈ હતી. ત્યાર પછી દર મહિને જામનગર દવા લેવા જવાનું થતું હતું. એક દિવસ આરોપીએ તેને કહ્યું કે, તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે, તને બરાબર રાખતો નથી, મારા પત્ની મારા મમ્મીને બરાબર રાખતા નથી, જેથી હું મારી પત્નીથી કંટાળી ગયો છું, હવે મારે પણ પત્ની સાથે રહેવું નથી તેમ કહી લગ્નની વાત કરી હતી. ત્યાર પછી 2024ની સાલમાં તેનો પતિ, તે, આરોપી અને તેની પત્ની દીવ ફરવા ગયા હતાં. જયાં આરોપી અને તેના પતિએ ડ્રીંક કર્યું હતું. તેનો પતિ દારૂ પીને હોટલમાં સુઈ ગયો હતો. મોડી રાત્રે બે વાગ્યે આરોપી તેના રૂમમાં આવ્યો હતો અને કહ્યું કે, હવે આપણે સંબંધમાં આગળ વધી જઈએ, હું તારી સાથે લગ્ન કરવાનો જ છું. બાદમાં તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતાં. આ પછી આરોપી સાથે અવારનવાર ફોનમાં વાતચીત થતી હતી. આરોપીએ તેને પતિથી છુટાછેડા લઈ લેવાનું અને તેના માતાના ઘરે રહેવા જવાનું કહ્યું હતું. જેને કારણે તે માતાના ઘરે રહેવા જતી રહી હતી.
આ પછી આરોપી અવારનવાર રાજકોટ આવી માધાપર ચોકડી પાસે આવેલી હોટલે બોલાવી ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. સદર બજારમાં આવેલી હોટલમાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અંદાજે ૨૦થી ૨૫ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગત ડીસેમ્બર માસમાં આરોપી પોતાના જન્મ દિવસ નિમિત્તે તેને દ્વારકા લઈ ગયો હતો. જયાંની હોટલમાં તેને મંગળ સુત્ર પહેરાવી, સેથો પુર્યો હતો. સાથોસાથ કહ્યું હું તને મારી પત્ની માનું છું. હું મારી પત્ની સાથે છુટાછેડા લઈ લઈશ. એક દિવસ આરોપીએ પત્ની સાથે છુટાછેડા થઈ ગયાનું કહ્યું હતું. એટલું જ નહી તેનો સામાન જામનગર લઈ જવાની વાત કરી હતી. ગત મે માસમાં આરોપીએ તેને તેડવા આવવાની વાત કરી હતી. પરંતુ તેડવા આવ્યો ન હતો. જેથી તે જામનગર જતા આરોપી તેની પત્ની માતા અને બાળકો સાથે હાજર હતો. આરોપીએ તેને આપણે ભાગી જશુ તેમ કહી જામનગરની હોટલમાં રાખી હતી. થોડા દિવસ સંબંધીના ઘરે પણ રાખી હતી. આખરે મારે લગ્ન કરવા નથી તેમ કહી દીધું હતું. જેને કારણે છેતરાઈ ગયાનો અહેસાસ થતા ફરીયાદ નોંધાવી હતી.










