![]()
– 19 વર્ષના યુવાનના મોતથી ગામમાં ઉત્સવનો માહોલ શોકમાં ફેરવાયો
– મંદિરના પાછળના ભાગમાં હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર : હત્યાનું કારણ અને આરોપીઓનું પગેરું મેળવવા પોલીસની ટીમો દોડતી થઈ
નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામમાં શરદ પૂર્ણિમાનો ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે મંદિરના પાછળના ભાગમાં મોડી રાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દેવાઈ હતી. ઉત્સવના માહોલમાં હત્યાની ઘટના બનતા ગામમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો. કયા કારણથી હત્યા થઈ અને આરોપીઓનું પગેરૂ મેળવવા પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમટ શરૂ કર્યો છે.
મહેમદાવાદના સણસોલી ગામમાં મંગળવારે શરદ પૂર્ણિમાની રાત્રે ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો. રાત્રિના બે વાગ્યાની આસપાસ સણસોલી ગામના સચિન ભરતભાઈ પરમાર (ઉં.વ.૧૯)ને મંદિર પાછળના ભાગમાં અગમ્ય કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. યુવાનને તાત્કાલિક પોલીસની મદદથી મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળની ગંભીરતા જોતા મહેમદાવાદ પોલીસ સ્ટાફ, એલસીબી અને એફએસએલની ટીમો તાત્કાલિક સણસોલી ગામે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. મૃતક સચિનનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આજે ગામમાં તેની અંતિમયાત્રા નીકળી હતી. ૧૯ વર્ષના યુવાનની અકાળે થયેલી હત્યાથી આખું ગામમાં ગમગીનિ છવાઈ ગઈ છે. મહેમદાવાદ પોલીસે આ હત્યાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ માટે ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ગામના લોકો અને અન્ય વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.
બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત
મૃતક સચિનની સગાઈ મહેમદાવાદ તાલુકાના જ એક ગામમાં થઈ હતી. આ વર્ષે તેના લગ્ન થવાના હતા. સચિન તેના માતા- પિતાનો એકનો એક દીકરો હતો. તેનાથી મોટી અને નાની એમ બે બહેનો છે. સચિનના પિતા ભરતભાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકના એક પુત્રની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડયું છે.










