![]()
વડોદરા, તા.3 માંજલપુર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવે છે તેવી માહિતીના આધારે પુરવઠાખાતા દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરાતા વિવિધ જથ્થામાં મોટાપાયે ઘટ જણાઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં માંજલપુર કો.ઓ.લી. મંડળી સંચાલિત રેશનિંગ દુકાન આવેલી છે જેના પ્રમુખ તરીકે નરેશ જગદીશભાઇ અગ્રવાલ છે. તેમની આ દુકાનમાં ઘણા સમયથી ગરીબોને અપાતા અનાજ તેમજ અન્ય પુરવઠામાં ગેરરીતિ આચરવામાં આવે છે તેવી માહિતીના આધારે ઝોનલ-૬ના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા અચાનક દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસણી દરમિયાન દુકાનમાં અનેક પ્રકારની ગેરરીતિઓ જણાઇ હતી જેમાં ચોખામાં ૨૧૯૭ કિલો ઘટ હોવાનું જણાયું હતું આ ઉપરાંત ઘઉમાં પણ ૧૮૭ કિલો વઘ, ખાંડમાં ૧૬૪ કિલો ઘટ, ચણામાં ૨૩ કિલો વધ, તુવેરદાળમાં ૧૫૪ કિલો ઘટ અને તેલમાં એક કિલો વધ જણાઇ હતી. મોટાપાયે ગેરરીતિના પગલે ઝોનલ ઓફિસ દ્વારા જિલ્લા પુરવઠાશાખાને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
અનાજના પુરવઠામાં મોટાપાયે વધઘટ બહાર આવતા પુરવઠાખાતા દ્વારા સંચાલકનો જવાબ માંગવામાં આવ્યો છે અને તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.









