અમદાવાદ,બુધવાર
શહેરના મીરઝાપુર વિસ્તારમાં બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં માથાભારે વ્યક્તિ તેમજ તેના ત્રણ પુત્રોએ છરીના ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી મોહસીન સૈયદે સેન્શન કોર્ટમાં ૩૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેના ઘરમાં આગ લાગતા થયેલા નુકશાનને કારણે સમારકામ અને આર્થિક આયોજન કરવાનું કારણ આપ્યું હતું. પરંતુ, જામીન અરજીમાં અપુરતી રજૂઆત અને આરોપી ફરિયાદી તેમજ ેકેસ સાથે સંકળાયેલા લોકોને ધાક ધમકી આપી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.
મીરઝાપુરમાં રહેતા મોહંમદ બિલાલ બેલીમ નામના યુવક પર ગત ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારના સમયે માથાભારે આરોપી કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે ધંધાકીય અદાવત રાખીને હુમલો કરીને છરીને ૪૦થી વધુ ઘા મારીને ક્રુર હત્યા કરી હતી. આ કેસના આરોપીઓએ અગાઉ અનેકવાર સેશન્સ કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટ સુધી વિવિધ કારણ આપીને જામીન માટે રજૂઆત કરી હતી. પરંતુ, માત્ર બે થી ત્રણ અરજી સિવાય અન્ય જામીન અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
જેમાં આરોપી મોહસીન પઠાણે સેશન્સ કોર્ટમાં વધુ એકવાર ૩૦ દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં તેના વકીલ ઇલીયાઝખાન પઠાણે દલીલ કરી હતી કે મોહસીનના ઘરે કોઇ કારણસર આગ લાગતા ભારે નુકશાન થયુ છે. જેથી તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તો આર્થિક આયોજન કરીને પોતાનું મકાન રીપેર કરાવી શકે.
પરંતુ, સરકારી વકીલે દાવો કર્યો હતો કે મોહસીન ઘર રીપેરના નાણાં ક્યાંથી લાવવાનો છે. તે અંગેનો ઉલ્લેખ અરજીમાં નથી કરાયો. તેમજ ફરિયાદી પક્ષના વકીલ એન એમ શેખે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો મોહસીન જામીન પર છુટે તો કેસના ફરિયાદી અને સાહેદોને ધાક ધમકી આપી શકે છે અને અગાઉ પણ ફરિયાદીને આરોપીઓના ચોક્કસ મળતિયાઓએ ધમકી આપી હતી. જેથી જામીન આપે તો ફરિયાદીને નુકશાન થઇ શકે છે. આ તમામ દલીલોને આધારે કોર્ટે મોહસીનની ૩૦ દિવસની જામીન અરજીને નકારી કાઢી હતી.આમ, અત્યાર સુધીમાં મોહસીનની જામીન અરજી છ વાર કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે.










