![]()
LPG Price Hike : દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય નાગરિકોના બજેટને ખોરવતા માઠા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, 7 જૂનથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ 913 રૂપિયાથી વધીને હવે 942 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો 29 રૂપિયાનો વધારો નોંધાયો છે.
અગાઉ માર્ચ મહિનામાં પણ વધ્યા હતા ભાવ
આ અગાઉ 7 માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર અંદાજે 703 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું.
કોમર્શિયલ ગેસ અને નાનો સિલિન્ડર પણ મોંઘા થયા
નોંધનીય છે કે આ જ મહિનાની 1લી જૂને 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર 42 રૂપિયા મોંઘો થઈને 3113.50 રૂપિયા અને કોલકાતામાં 53.20 રૂપિયાના વધારા સાથે 3255.50 રૂપિયા ની સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા વપરાતા 5 કિલોગ્રામના એફટીએલ (FTL) સિલિન્ડરના ભાવમાં પણ 11 રૂપિયાનો ઇજાફો કરાયો છે.
પેટ્રોલ, ડીઝલ અને CNG માં પણ ભડકો
ઇંધણના ભાવોમાં આ વધારો માત્ર ગેસ સિલિન્ડર પૂરતો સીમિત નથી. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને 7.50 રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના દરોમાં પણ આશરે 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ચૂક્યો છે.
આટલા ભાવવધારા છતાં, ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે સરકારી ઓઇલ કંપનીઓ હજુ પણ પેટ્રોલ અને ડીઝલને તેની મૂળ પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચી રહી છે. હાલની સ્થિતિએ કંપનીઓને પેટ્રોલ પર અંદાજે 11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 33.6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.










