![]()
વડોદરાઃ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવાયેલી એમ.એસ.યુનિવર્સિટીની ઉનાળું પરીક્ષાઓમાં ૨૯૯ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.એ પછી આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ સમક્ષ તાજેતરમાં સુનાવણી થઈ હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે સમિતિ સમક્ષની સુનાવણી બાદ ૨૨ વિદ્યાર્થીઓને ચેતવણી આપીને છોડવામાં આવ્યા છે અને બાકીના વિદ્યાર્થીઓને તેમણે આચરેલી ગેરરીતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ સજા કરવામાં આવી છે.
યુનિવર્સિર્ટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી છે અને એટલે જ ગેરરીતિ બદલ પકડાયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ૧૮૪ વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના હતા.એ પછી બીજા ક્રમે ૩૫ વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં પકડાયા હતા.યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી, જર્નાલિઝમ, પરફોર્મિંગ આર્ટસ, હોમ સાયન્સ, ફાઈન આર્ટસ, ફાર્મસી, સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી એક પણ વિદ્યાર્થી સામે ગેરરીતિનો કેસ થયો નહોતો.પરીક્ષાના નવા નિયમો પ્રમાણે જે વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો આરોપ સાબિત થયો હોય તેનું જે તે વિષયનું પરિણામ રદ કરવાની અને પરીક્ષામાં નહીંં બેસવા દેવાની સજાની સાથે ૨૫૦૦ રુપિયાથી માંડીને ૪૦૦૦ રુપિયા સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ આ મુદ્દે રાહત આપી છે અને ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ દંડ લીધો નથી.
વિદ્યાર્થીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી
૧૩૫ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરીક્ષાનું પરિણામ રદ કરાયું
૧૨૯ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરિણામ રદ કરાયું અને એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ
સાત વિદ્યાર્થીઓનું જે તે વિષયનું વર્તમાન પરિણામ રદ અને બે પરીક્ષા આપવા પર પ્રતિબંધ
પાંચ વિદ્યાર્થીઓનું તમામ વિષયોનું પરિણામ રદ કરવાની સાથે આગામી પરીક્ષા આપવા પર પ્રતિબંધ
કઈ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને સજા
આર્ટસ ૩૨
કોમર્સ ૧૬૯
લો ૯
મેડિસિન 2
સાયન્સ ૨૪
ટેકનોલોજી ૨૬
પોલીટેકનિક ૧૫
વિદ્યાર્થીઓએ આચરેલી ગેરરીતિઓ
ચોરી માટે કાપલીનો ઉપયોગ
મોબાઈલ, કેલક્યુલેટર કે બ્લુ ટૂથનો ઉપયોગ
ઉત્તરવહીઓની અદલા બદલી
ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર લઈ જવી
એકની જગ્યાએ બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો
પરીક્ષાની કામગીરી કરતા સ્ટાફ કે વિજિલન્સ મેમ્બર સાથે ગેરવર્તણૂંક
કાપલી ફાડી નાંખીને કે ખાઈ જઈને પૂરાવાનો નાશ કરવાની કોશીશ










