![]()
શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. પાર્થની આ સિદ્ધિબદલ રાજ્યના મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ પોતાના અભિનંદન પત્રમાં જણાવ્યું હતું કે, સુરત ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપનો ખિતાબ પ્રાપ્ત કર્યો તે અત્યંત સરાહનીય છે. મુખ્યમંત્રીએ પાર્થને આજ રીતે પ્રતિભા, સંયમ અને પરિશ્રમ દ્વારા આગળ વધીને સફળતાના શિખરો સર કરવા શુભકામનાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ ૧૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરાના ૧૯ વર્ષના પાર્થ શાહે શરૂઆતથી જ દમદાર પ્રદર્શન કરીને દરેક રાઉન્ડમાં જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલ મેચમાં પણ તેણે શાંતિપૂર્ણ મનોબળ, આત્મવિશ્વાસ અને ટેકનિકલ નિપુણતાથી વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
પાર્થ શાહ હાલ સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર-૩ ખેલાડી છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ સ્નૂકરે ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં તેણે ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ પણ જીતી છે. તેની આ સિદ્ધિઓ રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.










