![]()
Rajkot Bridge: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળા ચોક નજીક ચાલી રહેલી ફોરટ્રેકની કામગીરી વખતે એક ગંભીર ઘટના બની છે. અહીં નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ભરવાની કામગીરી સમયે જ એક ગાળો બેસી ગયો હતો. ત્યાર પછી તાત્કાલિક ધોરણે કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચોઃ સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, રાજકોટના ટીલાળા ચોક નજીક 22 ડિસેમ્બરના રોજ બેઠાપુલનો સ્લેબ ભરવાનું કામ ચાલતું હતું. ત્યારે અચાનક સ્લેબનો એક ભાગ નમી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બેસી ગયેલા સ્લેબને તોડી પાડી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરનો ‘ઝોળીદાર’ વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ
આ મામલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના સીઈઓએ જણાવ્યું હતું કે, 22 ડિસેમ્બરે પુલનું કામ ચાલુ હતું ત્યારે સ્લેબ નમી ગયો હતો. આ સ્લેબનું અંદાજિત વજન 200 ટન જેટલું હોય છે. સ્થળ પરના અમારા એન્જિનિયરે આ બાબતે તાત્કાલિક જાણ કરતા, અમારા દ્વારા જ કોન્ટ્રાક્ટરને આ સ્લેબ તોડી નાખવા માટે સૂચના અપાઈ હતી. જો કે, કોઈ અઘટિત ઘટના બની નથી. સ્લેબનો કાટમાળ દૂર કરવામાં લગભગ એક દિવસ લાગશે અને તે પૂર્ણ થયા બાદ બ્રિજની આગળની કામગીરી ફરી શરૂ કરી દેવાશે.
રિંગ રોડ 2ને ફોરટ્રેક બનાવવાનું આયોજન
નોંધનીય છે કે, રાજકોટ મહા નગરપાલિકા દ્વારા રિંગ રોડ 2ને ફોરટ્રેક બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. તેના ભાગરૂપે જામનગર હાઇવેથી સ્માર્ટ સિટી સુધી (2.1 કિ.મી.) રૂ. 26.13 કરોડ, સ્માર્ટ સિટીથી કટારિયા ચોક સુધી (3.9 કિ.મી.) રૂ. 39.69 કરોડ અને કટારિયા ચોકથી કણકોટ સુધીનો રસ્તો (2.79 કિ.મી.) રૂ. 27.50 કરોડના ખર્ચે ડેવલપ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી ચાલી રહી છે.










