![]()
પ્રાથમિક તપાસમાં સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું બહાર આવ્યું : મૃતક પોસ્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ફરજ બજાવતો હતો : મહિલા અને શકમંદની પૂછતાછ
રાજકોટ, : રાજકોટના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં અને પોસ્ટ ઓફિસમાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર ડ્રાઈવિંગ કરતાં વિમલભાઈ ધનજીભાઈ એંધાણી (ઉ.વ.૩૬)ની ગઈકાલે રાત્રે છરીના પાંચેક ઘા ઝીકી હત્યા નિપજાવાઈ હતી. પોલીસે મુખ્ય આરોપી સુનિલ ગોવિંદભાઈ અઘોલાની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે મૃતક વિમલને અગાઉ જે મહિલા સાથે સંબંધ હતો તેની સાથે હવે આરોપી સુનિલને સંબંધ હતો. જે બાબતનો ઝઘડો હત્યામાં કારણભૂત બન્યો હતો.
આ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ (ઉ.વ. 45, રહે. રૂડા ટ્રાન્સપોર્ટનગર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ટ્રક ચલાવે છે. બે ભાઈ અને એક બહેનમાં મૃતક વિમલ સૌથી નાનો હતો. તેને સંતાનમાં ૧ર વર્ષની પુત્રી અને ૧૧ વર્ષનો પુત્ર છે. ગઈકાલે તે કુવાડવા રોડ પર મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે ૧ર.૩૦ વાગ્યાની આસપાસ મૃતકના પત્ની બીનાબેને તેને કોલ કરી કહ્યું કે તમારા ભાઈને કોલ કરતાં ૧૦૮ના સ્ટાફે ઉપાડી અને કહ્યું છે ફોનવાળા ભાઈ સંતકબીર રોડના નાલા પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડયા છે. જેથી તેને સિવીલ લઈ જાય છે. તેના માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ જયારે જમણી આંખના ઉપરના ભાગે અને પીઠના ભાગે એક-એક ઘા હતા. સારવાર દરમિયાન તેના ભાઈનું મોત નિપજયું હતું. તેના ભાઈને આરોપી સુનિલ સાથે ઝઘડો અને બોલાચાલી થતી હતી. જેથી તેણે અને તપાસમાં ખુલે તે શખ્સોએ તેના ભાઈની હત્યા કરી નાખી હતી.
આ માહિતીના આધારે આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી આરોપી સુનિલની અટકાયત કરી હતી. તેની અને અન્યોની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકને જયશ્રી નામની મહિલા સાથે અગાઉ સંબંધ હતો. કોરોના વખતે જયશ્રીનો પતિ અને મૃતક મિત્રો હતા. કોરોનામાં મૃતક જ જયશ્રીના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યાર પછી જયશ્રીના પતિને શંકા જતાં તેણે મૃતક સાથે સંબંધો કાપી નાખ્યા હતા. આ પછી જયશ્રીને આરોપી સુનિલ સાથે સંબંધ થયા હતા. જેને કારણે મૃતક અને આરોપી સુનિલ વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. મૃતક આરોપીને તેના સંબંધ વિશે બીજાને જાણ કરવાની અવાર-નવાર ધમકી આપતો હતો. આખરે આ કારણથી હત્યા થયાનું જણાય છે. હત્યા પાછળ ખરેખર આજ કારણ જવાબદાર છે કે પછી બીજુ કોઈ કારણ તે અંગે તપાસ થઈ રહી છે. હત્યામાં વધુ આરોપીની સંડોવણી ખુલે તેવી શકયતા પણ પોલીસે દર્શાવી તપાસ જારી રાખી છે.










