![]()
સગર્ભાને હોસ્પિટલે પહોંચાડી શકાય એટલો પણ સમય નહોતો : આરોગ્ય સુવિધામાં જીવાદોરી બનેલી એમ્બ્યુલન્સ સેવાને 18 વર્ષ પૂર્ણ, 90,000થી વધુ લોકોના ખરા સમયે જીવ બચાવ્યા
રાજકોટ, : ગુજરાતમાં 29 ઓગસ્ટ, 2007નાં રોજ શરૂ કરવામાં આવેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે, જે આરોગ્ય સુવિધા આજે આપાતકાલિન સ્થિતિમાં લોકો માટે જીવાદોરી સમાન બની ગઇ છે. રાજકોટ જિલ્લામાં 18 વર્ષ દરમિયાન 108 ઇમરજન્સી સેવાએ 8,452 જેટલી સફળ ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી છે, જેમાં સગર્ભાની હાલત એટલી ખરાબ હતી કે હોસ્પિટલે પહોંચાડી શકાય એટલો પણ સમય નહોતો તેથી ૧૦૮ એમ્બ્યુલન્સ કે તેમના ઘરે જ સફળ પ્રસૂતિ કરાવાઇ હતી.
રાજકોટ જિલ્લાનાં શહેરી, ગ્રામીણ વિસ્તારો માટે હાલ 49 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરરોજ 225 આસપાસ ઇમરજન્સી માટે કોલ આવે છે. 18 વર્ષમાં માર્ગ અકસ્માત, ગર્ભાવસ્થા સંબંધિત, હૃદયરોગ સંબંધિત અને શ્વાસને લગતા જેવા 13.68 લાખથી વધુ મેડિકલ ઇમરજન્સીના કેસ નોંધાયા છે. જેમાં 90,699 લોકો પાસે તો એવા સમયે પહોંચીને સારવાર કરાઇ હતી કે એક-બે મિનિટનો વિલંબ થયો હોત તો મૃત્યુ નિશ્ચિત હતું. ‘આજે 108 એમ્બ્યુલન્સનું સાયરન જાણે લોકોની ધડકન બની ગયું છે. અમદાવાદ હેડ ઓફિસથી ડાયવર્ટ થતો દરેક કોલ અમારા માટે અગ્નિ પરીક્ષા જેવો જ હોય છે. 108 નંબર ડાયલ કરો એટલે 99 ટકા ફોનકોલ પહેલી જ રીંગમાં ઉપડી જાય છે. શહેરી વિસ્તારમાં વર્ષનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 10.31 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 18.20 મિનિટ રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણમાં પણ શ્રેષ્ઠ ગણાય છે. પોરબંદર અને ઓખા બંદરે ખાસ બોટ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. એટલું જ નહીં, ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં માર્ચ, 2022થી એર એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરાઇ છે.’










