![]()
– આણંદની કંપની પાસેથી સુપર માર્ટ ચાલું કરવા નાણાં લીધા હતા
– શખ્સે 21 માસ સુધી સ્ટોર ચાલુ રાખી બંધ કરી દીધી, પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
આણંદ : નડિયાદ-ખંભાત રોડ પર આવેલા પેટલાદ નજીકના એક સુપર સ્ટોર ખાતે રાજસ્થાનના એક શખ્સે કંપનીના નામે રૂપિયા ૬૪ લાખ હાથ ઉછીના લઈ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે છેતરપિંડી આચારનાર રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ખાતે રહેતા મહીપ કુમાર કૃષ્ણકાંત પરીખ વર્ષ ૨૦૨૨થી ‘રુપિઝ’ માર્ટ હાઇપર માર્ટમાં ડાયરેક્ટર છે. તેમની કંપનીમાં સુપર સ્ટોરને લગતો વેપાર કરવામાં આવે છે. આણંદના શાન એવી ફોર્ચ્યુન મોલ ખાતે કંપનીની ઓફિસ આવેલી છે. તેમજ તેમની સાથે આણંદના દશરથભાઈ દાનાભાઈ પ્રજાપતિ પણ ડાયરેક્ટર છે. વર્ષ ૨૦૨૨માં રાજસ્થાનના સુમેરપુરની જીપીકે સુપર માર્ટ પ્રા.લી.ના ડાયરેક્ટર વિદેશ કુમાર સાથે દશરથભાઈ પ્રજાપતિનો સંપર્ક થતા વિદેશ કુમારે આણંદ ખાતે જીપીકે સુપર માર્ટ ચાલુ કરવાની વાત કરી હતી. જેથી પેટલાદ ખાતે આવેલી તેઓની જગ્યામાં સુપર સ્ટોર ચાલુ કરવાનું નક્કી થયું હતું અને રાજસ્થાનમાં જે રીતે જીપીકે સ્ટોર ચાલુ છે તે મુજબ જ પેટલાદમાં પણ સ્ટોર ચાલુ કરવાનું નક્કી કરી એમપીડીસી ટ્રેડલિંગ એલએલપી નામની કંપનીના નામ ઉપર ભાડા કરાર કરી વેપાર શરૂ કર્યો હતો.
ત્યારબાદ વિદેશ કુમારે રાજસ્થાનથી પેટલાદ સુધી વેપાર કરવા માટે ઉછીના નાણાંની માગણી કરી હતી અને થોડા સમય બાદ પરત આપી દેવા કહ્યું હતું. જેથી મહીપ કુમારે ડિસેમ્બર ૨૦૨૨થી અલગ અલગ સમયે કુલ રૂપિયા ૬૪ લાખ વિદેશ કુમારની જીપીકે સુપર માર્ટ બજાર પ્રા.લી.ના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પેટલાદ ખાતે સ્ટોર ચાલુ થયા બાદ લગભગ ૨૧ માસ સુધી સ્ટોર ચાલુ રાખ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી. જેથી ઉછીના લીધેલ રૂપિયા ૬૪ લાખ પરત આપવાનું કહેતા વિદેશકુમારે અવારનવાર વાયદાઓ કર્યા હતા અને નાણાંની માંગણી કરવા છતાં વિદેશ કુમારે નાણાં પરત ન આપતા આખરે મહીપ કુમાર પરીખે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિદેશ કુમાર પ્રભુરામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









