![]()
વડોદરાઃ ગરબા દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી ગરબા આયોજકોને વ્યવસ્થા રાખવા તાકિદ કરવામાં આવી છે.આ ઉપરાંત સુરક્ષાની વ્યવસ્થાની પણ જવાબદારી આયોજકોએ રાખવી પડશે.
વડોદરામાં યોજાનારા નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ કમિશનરે આજે મોટા ગરબા આયોજકો સાથે મીટિંગ રાખી હતી.જેમાં મુખ્યત્વે સુરક્ષા વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો હતો.આ મીટિંગમાં આરએન્ડબી, એમજીવીસીએલ,કોર્પોરેશન,ફાયર બ્રિગેડ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ હતા.
ગરબાના સ્થળોની આસપાસ આડેધડ પાર્કિંગ તેમજ અવ્યવસ્થાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી ગરબાના આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ રાખવાની તાકિદ કરવામાં આવી છે.પોલીસ તો વ્યવસ્થા સંભાળવાની જ છે.પરંતુ આયોજકોએ પણ સ્વયંસેવકોની ટીમોને મુકવી પડશે.
આવી જ રીતે પાર્કિંગના સ્થળે પણ વ્યવસ્થા રાખવા અને ગરબા રમવા આવતી યુવતીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા રાખવા સૂચના આપવામાં આવી છે.જ્યારે, ગરબા ગ્રાઉન્ડ પર કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને અને ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડના વાહનોની અવરજવર થઇ શકે તેવી વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.હવે પછી દરેક ગરબા ગ્રાઉન્ડ પર એસીપી,પીઆઇ સહિતની ટીમો મુલાકાત લઇ મીટિંગ કરશે.









