Vadodara News : વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 50 જેટલાં લોકોની અટકાયત કરી છે. જ્યારે આજે રવિવારે (21 સપ્ટેમ્બર) જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. સમગ્ર ઘટના મામલે પોલીસ કોર્ટમાં આરોપીના રિમાન્ડની માગ કરશે.
આ પણ વાંચો: વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો એન્ટ્રી’
પોલીસ સ્ટેશન પર હંગામો અને ધરપકડ
મળતી માહિતી મુજબ, પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસની બાંહેધરી બાદ ટોળું વિખરાયું હતું.

આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તોફાન કરનારા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ ફૂટેજને આધારે 50 જેટલાં લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ
પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં અશાંતિ સર્જવાના પ્રયાસને સાંખી નહીં લેવા અને આવા તત્ત્વોને પાઠ ભણાવવા વડોદરા પોલીસે ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં વધુ ફોર્સ ગોઠવી દેવાની તજવીજ કરી છે. સમગ્ર મામલે પોલીસ કમિશનરે આજે તમામ પોલીસ અધિકારીઓની ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યારે, ડ્રોન મારફતે પણ સતત નિગરાણી રાખવા તાકિદ કરી છે.










