![]()
વડોદરાઃ શહેરમાં તેજ રફતારને કારણે અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતના બનાવોમાં તરત જ એફઆઇઆર લઇ ગુનો નોંધવામાં આવતો હોવા છતાં ફુલસ્પીડે કાર ચલાવતા ચાલકોમાં કોઇ અસર પડતી નથી.અકસ્માતના વધુ ત્રણ બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ન્યુ સમા રોડના સરસ્વતી નગરમાં રહેતા સ્મિતાબેન વાઘેલા આજે બપોરે વર્ષા પરમાર સાથે બેન્કનું કામ પતાવી રિક્ષામાં ઘર તરફ જતા હતા ત્યારે કારેલીબાગ લાયન સર્કલ પાસે અમિત નગર તરફથી સિગ્નલનો ભંગ કરી ધસી આવેલી કારે ટક્કર મારતાં રિક્ષા પલટી ગઇ હતી અને અમે બંને દબાઇ જતાં ઇજાઓ થઇ હતી. લોકોએ અમને બહાર કાઢ્યા હતા.
આવી જ રીતે ડભોઇ રોડ પર કપૂરાઇ ટાંકી પાસે ઓમ બંગ્લોઝમાં રહેતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તેમની કારમાં છાણીની ઓફિસેથી ડભોઇ રોડ તરફ જતા હતા ત્યાર દરજીપુરા પાસે ટ્રેલરે પાછળથી ટક્કર મારતાં કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી અને નુકસાન થયું હતું.સારા નસીબે તેમનો બચાવ થયો હતો. જ્યારે, ભાયલી-સેવાસી રોડ પર પ્રિયા સિનેમા નજીક કારની અડફેટમાં આવેલા સ્કૂટર ચાલક દંપતીને ઇજાઓ થઇ હતી.










