![]()
વડોદરા, તા.7 વડોદરા-નિમેટા રોડ પર આજે બપોરે બાઇકને નડેલા અકસ્માતમાં પિતા અને પાંચ માસની માસૂમ પુત્રીના કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે માતાને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના શીયાપુરા ગામમાં રહેતા ફરમેશ શૈલેષભાઇ ભાલીયા (ઉ.વ.૨૨), પત્ની અંજલી (ઉ.વ.૨૪) અને પુત્રી પાર્થવી (ઉ.વ. ૫ માસ) ત્રણે બાઇક પર બેસીને પોતાના ઘેરથી વડોદરા ખાતે સાસરીમાં આવતા હતાં. બપોરે બે વાગ્યાની આસપાસ તેઓ નિમેટારોડ પર જેસંગપુરા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇને નજીકની ગટરની ઝાડીઓમાં જઇને પડી હતી.
બે કલાક સુધી તેઓ ગટરની ઝાડીઓમાં પડયા હતા અને બાદમાં અંજલીએ બૂમો પાડતા રાહદારીને જાણ થતાં ત્રણેને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ સ્થળ પરના ડોક્ટરે પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું જ્યારે માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કોઇ વાહને ટક્કર મારી હોય અને બાઇક ગટરમાં ઉતરી જવાથી અકસ્માત થયો હોય તેવા કોઇ ચિહ્નો મળ્યા નથી પરંતુ રોડ પર કોઇ જાનવર આવી ગયું હોય અને તેને બચાવવા માટે બાઇક સ્લીપ થઇ ગઇ હશે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










