![]()
વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની સમય મર્યાદા આજે પૂરી થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓના ફોર્મ હજી ભરવાના બાકી છે તેમના ફોર્મ તા.૧૯ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ભરી શકશે.
બીજી તરફ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા પણ બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.આ વખતે વડોદરા શહેર અને જિલ્લાના ૭૫ જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.જેમાં ધો.૧૦ના ૪૫ પરીક્ષા કેન્દ્રોના ૧૫૬ બિલ્ડિંગનો સમાવેશ થાય છે જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહ માટે અનુક્રમે ૨૧ અને ૯ કેન્દ્રો તથા ૬૬ અને ૪૧ બિલ્ડિંગ પસંદ કરવામાં આવ્યા છે.તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની ચકાસણી પણ શરુ કરી દેવામાં આવી છે.
એક અંદાજ અનુસાર ધો.૧૦ના લગભગ ૪૭૩૧૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૨૦૪૯૩ અને વિજ્ઞાાન પ્રવાહના ૭૫૪૮ જેટલા વિદ્યાર્થીઓ ફેબુ્રઆરી-૨૦૨૬માં પરીક્ષા આપશે.જોકે હજી લેટ ફી સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આ આંકડામાં વધારો કે ઘટાડો થઈ શકે છે.વિદ્યાર્થીઓને પરીક્ષા લગતી મૂંઝવણો દૂર કરવા માટે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ હેલ્પ લાઈન પણ શરુ કરવામાં આવશે.










