![]()
‘ડ્રોન દીદી’માંથી ‘લખપતિ દીદી’ બનવા તરફ ડગ માંડયા
ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવ કરી સમય, પાણી અને નાણાંની બચત સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યા
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી પદ્ધતિનો ત્યાગ કરી આધુનિક ટકનોલોજી અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આ પરિવર્તનમાં વઢવાણ તાલુકાના વાઘેલા ગામના અંકિતાબેન ધર્મેશભાઈ માલવણિયાએ સરકારની ‘નમો ડ્રોન દીદી’ યોજનાનો લાભ લઈ ખેતીમાં નવી ક્રાંતિની મશાલ જલાવી છે.ખેતીકામમાં પરિવારને મદદરૃપ થતા અંકિતાબેને સખી મંડળ દ્વારા આ યોજનાની જાણકારી મેળવી હતી. તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા બાદ તેમણે અમદાવાદની યુનિવસટીમાં ૧૫ દિવસની તાલીમ લઈ, ડ્રોન સંચાલન અને જાળવણીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ‘કુશળ ડ્રોન દીદી’નું બિરુદ મેળવ્યું છે.
ખેડૂતો માટે આશીર્વાદરૃપ ડ્રોન ટેકનોલોજી સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડ્રોન દ્વારા અંકિતાબેન હવે આસપાસના ખેતરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. ખાસ કરીને રવી પાક દરમિયાન તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો છંટકાવ કરવો અત્યંત કષ્ટદાયક હોય છે, ત્યારે ડ્રોન ટેકનોલોજી ખેડૂતો માટે આશીર્વાદરૃપ સાબિત થઈ રહી છે. આ પદ્ધતિથી સમય અને પાણીની મોટી બચત થાય છે અને દવાનો સીધો છંટકાવ થતા ખેડૂતોના સ્વાસ્થ્યને થતું જોખમ પણ ટળે છે.
‘લખપતિ દીદી’ બનવા તરફ ડગ માંડયા
સરકારી સબસિડીનો લાભ અને આથક ઉન્નતિ આ યોજના અંતર્ગત ખેડૂતોને આથક રીતે પણ મોટો ફાયદો મળી રહ્યો છે. ખેડૂતોએ દવાના છંટકાવ માટે માત્ર રૃ. ૧૦૦ ચૂકવવાના રહે છે, જ્યારે બાકીના રૃ. ૫૦૦ સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે. આમ, ખેડૂતોને સસ્તી અને ઝડપી સુવિધા મળે છે, તો બીજી તરફ અંકિતાબેન જેવી મહિલાઓ સન્માનજનક આવક મેળવી ‘લખપતિ દીદી’ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. વાઘેલા ગામની આ દીકરીએ આજે સમગ્ર ઝાલાવાડની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની નવી રાહ ચીંધી છે.










