![]()
સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત
ટેલિગ્રામ ગુ્રપમાં જોઈન્ટ કરીને શરૃઆતમાં નફો બતાવતા યુવાન રોકાણ કરવા લલચાયો ઃ સાયબર ક્રાઇમની તપાસ
ગાંધીનગર : ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે. કલોલ
તાલુકાના સાંતેજ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા એક
યુવક સાથે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ટાસ્કના નામે રૃપિયા ૧૬.૦૪ લાખની જંગી
છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે
તેમ છતાં યુવાનો સાઇબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. આ વખતે સાતેજનો યુવાન પણ
છેતરપિંડીનો ભોગ બન્યો છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
ઝારખંડના અને હાલ કલોલ તાલુકાના સાંતેજમાં આવેલ ન્યુ હેવન ફ્લેટમાં રહેતા રવિકાંત
બ્રિજનંદન પ્રસાદ વર્મા અરવિંદ મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે
છે. ગત તારીખ ૧૪ ઓગસ્ટના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ
આવ્યો હતો, જેમાં
ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવવાની ઓફર આપવામાં આવી હતી. જેથી રવિકાંત દ્વારા તેમાં
રસ દાખવતા ગઠિયાઓએ તેને બીજી એક લિંક અને ટેલિગ્રામ ગુ્રપમાં જોઈન્ટ કર્યો હતો હતા. શરૃઆતમાં વેબસાઈટ પર રજીસ્ટ્રેશન
કરાવી સામાન્ય ટાસ્ક આપ્યા હતા. જેમાં તેને ૮૦૦ રૃપિયાનો નફો બતાવી તે રકમ તેમના
બેંક ખાતામાં જમા પણ કરાવી આપી હતી, જેથી
તેને વિશ્વાસ બેસી ગયો હતો.ત્યારબાદ ગઠિયાઓએ પેઈડ ટાસ્કમાં મોટો નફો મળશે તેવી
લાલચ આપી હતી. જેથી તેણે તબક્કાવાર અલગ અલગ બેંકમાંથી ૧૬.૫૨ લાખ રૃપિયા ટ્રાન્સફર
કરી દીધા હતા જેની સામે ૨૨.૪ લાખની રકમ બતાવવામાં આવતી હતી જે ઉપાડવાનો પ્રયાસ
કરવામાં આવતા ઉપડી શક્યા ન હતા અને વધુ ૫૦ ટકા રકમ ભરવાનું જણાવવામાં આવ્યું હતું.
જેથી તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જોકે ૪૮ હજાર રૃપિયા તેને પરત
મળ્યા હતા. આમ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપતા હાલ પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.










