![]()
વડોદરા, તા.4 ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે વાઘેશ્વરી માતાના મંદિરમાં ગરબા મૂકવા ગયેલી મંજૂસરની મહિલાના ગળામાંથી ૨૦ ગ્રામ વજનની સોનાની ચેન આંચકી એક મહિલા શિફ્તપૂર્વક ફરાર થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મંજુસરમાં હનુમાનજી મંદિર પાછળ રહેતી રંજન દિનેશભાઇ સોલંકીને ગરબો ચડાવવાની બાધા હોવાથી તા.૨ના રોજ દશેરાના દિવસે પ્રતાપપુરા ગામની સીમમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરમાં મેળો ભરાતો હોવાથી તેમજ તે દિવસે ગરબો મૂકવાનો રિવાજ હોવાથી તેઓ પતિ સાથે બુલેટ પર બપોરે પ્રતાપપુરા ગામે ગયા હતાં.
મંદિરમાં દર્શન કરી ભક્તો ગરબો મૂકતા હતા તે સ્થળે રંજનબેન ગરબો મૂકવા ગયા હતાં. આ વખતે મહિલાઓની ભીડ ખૂબ હતી જેથી તેઓ નીચે નમીને ગરબો મૂકતા હતા ત્યારે કોઇ ગળામાં અડક્યુ હોય તેમ લાગ્યું હતું. ગરબો મૂકીને ગળામાં ચેક કર્યુ તો ૨૦ ગ્રામ વજનની સોનાની ચેન ગાયબ હતી. આ વાત રંજનબેને પતિને કરતા મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં રંજનબેનની આજુબાજુ ચારથી પાંચ મહિલાઓ જણાઇ હતી. જેથી કોઇ મહિલાએ સોનાની ચેન તફડાવી હોવાનું જણાતા આ અંગે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.










