અમદાવાદ, રવિવાર
વિદેશ જવાની ઘેલછામાં નરોડાના આઇટી ક્ષેત્રના નિષ્ણાત યુવકે રૃા. ૩૪.૨૪ લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગઠિયાએ વિઝા અને વર્કપરમીટની લાલચ આપી હતી અને વિઝા પ્રોસેસના બહાને ઓફર લેટર મોકલીને વોટ્સએપ પર ઇન્ટરવ્યું લીધા બાદ લાખો રૃપિયા પડાવ્યા હતા.
વિઝા પ્રોસેસ બહાને ઓફર લેટર મોકલી ઇન્ટરવ્યુ લઇ નરોડાના યુવક પાસેથી લાખો રૃપિયા પડાવ્યા
નવા નરોડામાં કૃષ્ણનગર ખાતે રહેતા અને ઓન લાઇન આઇટીમાં વર્કફ્રોમ હોમ કામ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્નીને તેની સહેલીએ યુ.કેના વિઝા લીધા હોવાની વાત કરી હતી. જેને લઇને યુવકે યુ.કેમાં જોબ માટે સર્ચ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ જોઇ હતી. અજાણી વ્યકિતએ અલગ અલગ દેશ માટે વર્કપરમીટની પોસ્ટ મૂકેલી હતી. જેથી મેસેજ કરતાં સામેથી વોટ્સએપ કોલ આવ્યો હતો.
ત્યારબાદ સાયબર ગઠિયાએ યુ.કેમાં નોકરી તથા સ્પોન્સરશીપ લેટર માટે રૃા. ૧૪ લાખ ખર્ચની વાત કરીને પૈસા ભર્યા બાદ પંદર દિવસમાં વિઝા પ્રોસેસ કરવાની વાત કરીને પ્રોસેસના રૃા.૪ લાખ એડવાન્સ ભરવાની વાત કરતાં યુવકે રૃા. ૨ લાખ ખાતામાં ભર્યા બાદ કંપનીમાં નોકરીની વાત કરીને ફોન ઉપર ઇન્ટરવ્યુ લીધું અને ઓફર લેટર મોકલીને વિશ્વાસ કેળવીને ટુકડે ટુકડે રૃા.૩૪,૨૪,૧૫૩ પડાવીને છેતરપીંડી કરી હતી.










