![]()
‘જય ચામુંડા‘ના નાદથી હાઇવે ગુંજી ઉઠયો
પદયાત્રીઓ
માટે ઠેર-ઠેર સેવા કેમ્પો ઃ કાળઝાળ ગરમીમાં તરબૂચ, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાંની અવિરત સરવાણી
સુરેન્દ્રનગર –
ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે
જતા પદયાત્રીઓથી હાઈવે ઉભરાયો છે. લખતર અને આસપાસના વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ
દ્વારા પદયાત્રીઓ માટે જમવા, આરામ અને તબીબી સુવિધા સહિતના
કેમ્પો શરૃ કરાયા છે.
યાત્રાધામ
ચોટીલા ખાતે ચૈત્રી પૂનમે ધજા ચડાવવાનું અનેરું મહત્વ હોઈ, હાલ
વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટયું છે. ગાંધીનગર,
અમદાવાદ, સાણંદ અને મહેસાણા સહિતના
વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા ચોટીલા જવા નીકળ્યા છે. આ
પદયાત્રીઓની સુવિધા માટે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, છારદ,
ઓળક અને ઝમર સહિતના માર્ગો પર ઠેર-ઠેર સેવા કેમ્પો કાર્યરત થયા છે.
ઉનાળાની
કાળઝાળ ગરમીને ધ્યાને રાખી સેવાભાવી ગુ્રપ દ્વારા પદયાત્રીઓ માટે ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, ભોજન, વિશ્રામ, દવાઓ અને
મોબાઈલ ચાર્જિંગ જેવી નિઃશુલ્ક સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ધોમધખતા તાપમાં
નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ અત્યંત શ્રદ્ધા સાથે પદયાત્રા કરી રહ્યા છે. સમગ્ર
ઝાલાવાડ પંથક હાલ ભક્તિમય માહોલમાં રંગાયો છે અને પદયાત્રીઓ પણ સેવાભાવીઓની આ
પ્રશંસનીય કામગીરીની સરાહના કરી રહ્યા છે.










