![]()
વડોદરાઃ તાજેતરમાં થયેલી વસ્તી ગણતરી બાદ એવું તારણ નીકળ્યું હતું કે, વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ૪૪૨ જેટલા મગરો વસવાટ કરી રહ્યા છે.આ સંદર્ભમાં વધુ એક રસપ્રદ જાણકારી સામે આવી છે.વિશ્વામિત્રી નદીમાં ચાર જગ્યાઓ એવી છે જ્યાં ગટરોનું પાણી ઠલવાય છે અને આ જ વિસ્તારોમાં મગરોની વસ્તી નદીના બાકી હિસ્સાઓની સરખામણીએ ઘણી વધારે છે.વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી પર નજર રાખી રહેલા ગુજરાત હ્યુમન રાઈટસ કમિશનના તાજેતરના અહેવાલમાં તેનો ઉલ્લેખ કરાયો છે.
એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરનું કહેવું છે કે, થોડા સમય પહેલા વિભાગના વિદ્યાર્થીઓએ મગરો પર એક પ્રોજેકટ હાથ ધર્યો હતો અને તેમાં પણ ઉલ્લેખ હતો કે, શિયાળા દરમિયાન નદીમાં જે જગ્યાએ ગટરનું પાણી ઠલવાતું હોય છે તેની આસપાસ મગરોની સંખ્યામાં વધારો થતો હોય છે.
તેમનું માનવું છે કે, વિશ્વામિત્રી નદી એકંદરે છીછરી છે અને તેમાં પાણીનો પ્રવાહ પણ ધીમો હોય છે.જેના કારણે નદીના પાણીના તાપમાનમાં વધ ઘટ જોવા મળતી હોય છે.નદીમાં મગરોનું લોહી ઠંડુ હોય છે.શરીરના તાપમાનને જાળવવા માટે તેમણે કિનારા પર આવીને તડકામાં રહેવું પડતું હોય છે.બીજી તરફ ગટરના પાણીનું તાપમાન પણ સરખામણીમાં વધારે હોવાથી મગરો ગરમાવો મેળવવા માટે ગટરનું પાણી ડિસ્ચાર્જ થતું હોય તેની નજીક રહેવાનુ પસંદ કરતા હોય તેવું બની શકે છે.
કયા ચાર વિસ્તારોમાં મગરો વધારે
નદીનો વિસ્તાર લંબાઈ મગરોની સંખ્યા
નરહરી હોસ્ટિપલથી કાલાઘોડા ૨.૨ કિમી ૩૯
કાલાઘોડાથી અકોટા બ્રિજ ૧.૪ કિમી ૪૪
મુજમહૂડાથી વડસર બ્રિજ ૧.૫ કિમી ૨૯
વડસર બ્રિજથી કલાલી ૧.૧ કિમી ૩૭










