![]()
ખારવાવાડના આઝાદ ચોક વિસ્તારમાં દુર્ઘટનામાં યુવાન બાઈક પાર્ક કરીને બેઠો હતો ને મોત ત્રાટક્યું : હતભાગી માતા- પુત્રી એ મકાનમાં જ રહેતા હતા : ટીમની 3 કલાકની જહેમતે કાટમાળ હેઠળ દટાયેલા મૃતદેહો બહાર કઢાયા
વેરાવળ, : વેરાવળના ખારવાવાડમાં આઝાદ ચોકમાં ગત રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં 80 વર્ષ જૂનું, જર્જરિત 3 માળનું મકાન ધડાકાભેર ધસી પડયું હતું, જેના કાટમાળમાં દબાઈ જતાં મકાનમાં રહેતા માતા-પુત્રી તથા મકાન બહાર ઓટલા પર બેઠેલા યુવાન સહિત ત્રણના કરૂણ મોત નિપજયા હતા, જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા થઈ હતી. બનાવના પગલે શહેરમાં અરેરાટી વ્યાપી છે.
ખારવાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં શંકરભાઈ સુયાણીની માલિકીનું 80 વર્ષ જૂનું, જર્જરિત 3 માળનું મકાન ગતરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડયું હતું, પરિમામે રાત્રે ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં તંત્ર તથા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વેરાવળ નગરપાલિકા, ફાયરબ્રિગેડ તથા પોલીસ ટીમ ઉપરાંત ખારવા સમાજના યુવાનોની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણ કલાકની જહેમતે કાટમાળ હટાવી બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતાં. કાટમાળમાંથી દેવકીબેન શંકરભાઈ સુયાણી (ઉ.વ. 65) તથા તેમના પુત્રી જશોદાબેન શંકરભાઈ સુયાણી (ઉ.વ. 35) તેમજ દિનેશભાઈ પ્રેમજીભાઈ જુંગી (ઉ.વ. 34)ના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે કાટમાળ પડતા બે વ્યક્તિને ગંભઈ ઈજા થતા તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. બે મહિલાઓ મકાનમાં જ રહેતા હતા, જ્યારે દિનેશભાઈ રાત્રે મકાનના ઓટલા પાસે બાઈક પાર્ક કરી અને ત્યાં બેઠા હતા ત્યારે મકાન તૂટી પડતા તેમનો ભોગ લેવાયો હતો.










