![]()
મુંબઈ : અમેરિકામાં જાહેર થનારા ફુગાવાના ડેટા પહેલા કિંમતી ધાતુના ભાવમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી પીછેહઠ જોવા મળી હતી. ડોલરમાં સુધારો આવતા સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ચાંદીમાં ઊંચા મથાળે પ્રમાણમાં સ્થિરતા જળવાઈ રહી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. ફુગાવો ધીમો પડતા અને અમેરિકા સાથેની વેપાર તાણ હળવી થતા યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય કર્યો છે.
મોડી સાંજે અમેરિકામાં જાહેર થયેલા ડેટા પ્રમાણે રિટેલ ફુગાવો અપેક્ષા પ્રમાણે વધીને આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધી ગઈ છે. બીજી બાજુ બેરોજગારીનો આંક પણ વધી લગભગ ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. ક્રુડ તેલની માગ જળવાઈ રહેવાના ઓપેકના વરતારાને પરિણામે ક્રુડ તેલના ભાવને ટેકો મળી રહ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ નરમ પડી રૂપિયા ૧૦૯૦૯૭ રહ્યા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૮૬૬૦ મુકાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૪,૪૯૯ સાથે સ્થિર રહ્યા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૨,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૨૫,૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં આર્થિક ડેટાઓની જાહેરાત વચ્ચે કિંમતી ધાતુના ભાવ વોલેટાઈલ રહ્યા હતા. સોનું ઉપરમાં ઔંસ દીઠ ૩૬૪૯ ડોલર અને નીચામાં ૩૬૧૪ ડોલર થઈ મોડી સાંજે ૩૬૨૪ ડોલર મુકાતું હતું. ચાંદી પ્રતિ ઔંસ નીચામાં ૪૦.૮૯ ડોલર અને ઉપરમાં ૪૧.૨૯ ડોલર થઈ મોડી સાંજે ૪૧.૧૪ ડોલર કવોટ થતી હતી.
અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૮૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૮૬ ડોલર મુકાતુ હતું. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર અંગેનો નિર્ણય કિંમતી ધાતુના ભાવની હવે પછીની દિશા નક્કી કરનારા બની રહેશે. અમેરિકામાં ઓગસ્ટનો ફુગાવો વધી ૨.૯૦ ટકા આવ્યો હતો. બેરોજગારીના દાવા વધીને ૨,૬૩,૦૦૦ આવ્યા હતા.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારા વચ્ચે વર્તમાન વર્ષ તથા આગામી વર્ષ માટે ક્રુડ તેલની માગના અંદાજને જાળવી રખાતા ક્રુડ તેલના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.
ઉત્પાદન વધવાને કારણે ૨૦૨૬માં ક્રુડ તેલના પૂરવઠામાં પ્રતિ દિન ૩૦ લાખ બેરલની પુરાંત જોવા મળવાની પણ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૬.૮૩ ડોલર મુકાતુ હતું.










