![]()
મુંબઈ : ભારતીય શેર બજારો આજે-મંગળવારે મહાવીર જયંતી નિમિતે બંધ રહ્યા હતા. જ્યારે વૈશ્વિક બજારોમાં આજે સાંજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોઈને સમજી શકાય નહીં એવી નીતિઓમાં ટેરિફથી વિશ્વ હેરાન-પરેશાન થઈ ગયા બાદ હવે ઈરાન પર યુદ્વ થોપીને ઈરાનની ઓઈલ સંપત્તિ પર કબજો જમાવવાની ભયાનક યુદ્વ કવાયતમાં ઈઝરાયેલ સાથે મોટા યુદ્વને અંજામ આપીને હવે યુદ્વમાં ઈરાન સાથે ડિલ કરવાની તૈયારી બતાવ્યા બાદ ઈરાન નહીં માને તો ઈરાનને ખેદાન-મેદાન કરી નાખવાની ધમકી આપીને વૈશ્વિક બજારોમાં પણ અનિશ્ચિતતાનો દોર ચાલુ રાખ્યો હતો. અલબત ટ્રમ્પે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસનો મામલો હાલ તુરત જતો કરીને એ ડિપ્લોમેટિક માર્ગે ઉકેલવાનું કહ્યાના અહેવાલે આજે અમેરિકી શેર બજારોમાં ખુલતામાં મજબૂતી હતી. જ્યારે યુરોપના બજારોમાં પણ સુધારો જોવાયો હતો. ભારતીય શેર બજારો બંધ રહ્યા હતા. પરંતુ ગિફ્ટ નિફટી ૧૫૦ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.
યુરોપમાં ફુત્સી ૮૫ પોઈન્ટ, ડેક્ષ ૧૬૭ પોઈન્ટ વધ્યા : એશીયામાં નિક્કી ૮૨૨ પોઈન્ટ તૂટયો
અમેરિકાએ ડિલ થવા સુધી ઈરાન પર હુમલા ચાલુ રાખવાનો સંકેત આપતાં અને અમેરિકાના ઈરાન પર હુમલા સામે ઈરાન દ્વાર કુવૈત પર વળતાં હુમલાને લઈ આગામી દિવસોમાં યુદ્વ ભયાવહ બનવાના અમેરિકા અને ઈરાન બન્નેના આક્રમક મિજાજે વિશ્વની ઈંધણ કટોકટી વકરવાના એંધાણે આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. જ્યારે યુરોપના દેશોના બજારોમાં આજે સાંજે એકંદર મજબૂતી જોવાઈ હતી. યુરોપના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૮૫ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૧૬૭ પોઈન્ટનો સુધારો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૮૨૨ પોઈન્ટ ઘટીને ૫૧૦૬૪, હોંગકોંગનો હેંગસેંગ ૩૭ પોઈન્ટ વધીને ૨૪૭૮૮, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટ ઘટીને ૪૪૫૦, સાઉથ કોરિયાનો કોસ્પી ૨૨૫ પોઈન્ટ તૂટીને ૫૦૫૨ રહ્યા હતા.
અમેરિકી બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સમાં ૪૫૦ પોઈન્ટ, નાસ્દાક ૨૪૨ પોઈન્ટ ઉછળ્યો
અમેરિકી શેર બજારોમાં આજે ખુલતામાં તેજી જોવાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ મામલે દખલ નહીં કરીને ડિપ્લોમેટિક માર્ગે ઈરાન સાથે સમજૂતી કરવા તૈયાર હોવાના અહેવાલો અને બીજી તરફ ઈરાન યુદ્વના ખર્ચબોજને મિડલ ઈસ્ટના દેશોના માથે ઢોળીને અમેરિકાને યુદ્વમાંથી મુક્ત કરાવવાની વેતરણમાં હોવાના અહેવાલો વચ્ચે આજે અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતામાં મજબૂત ઉછાળો જોવાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૪૫૦ પોઈન્ટનો ઉછાળો અને નાસ્દાક ૨૪૨ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.










