દિલ્હી ‘માનસ સનાતન ધર્મ’ કથામાં પંજાબ રાજ્યપાલ સહિતના મહાનુભાવોની હાજરી
દિલ્હી (તખુભાઈ સાંડસુર દ્વારા )
દિલ્હીનું ઐતિહાસિક અને અવર્ણનીય કહી શકાય એવું પરિસર ભારત મંડપમ ‘માનસ સનાતન ધર્મ’ રામકથાના માધ્યમથી રામમય બની ગયું છે.ત્રીજા દિવસની રામકથામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી છે.અનેક દિલ્હી વાસીઓ દિલ લઈને જોડાઈ ગયાં છે.
આજે મંગળવારના દિવસે પૂજ્ય મોરરિબાપુએ કથા સંવાદમાં પ્રવેશ કરતા જણાવ્યું કે રામચરિત માનસ સ્વયં સનાતન તો છે જ પરંતુ ભગવદ્ ગીતામાં સાત વખત સનાતનનો ઉલ્લેખ છે એટલે આપણે સપ્તક આપીએ છીએ.એ સપ્તકમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય આ સાત દ્વારા આપણે સૌ સનાતનને જાણી શકીએ. દરેક વિષયની સાથે વિકાર અને સંસ્કારએ જોડાયેલા છે.
નિંદા, દ્રોહ, પરધન વગેરે વિકારોથી સનાતન બચાવે છે. જે તેજસ્વી છે એ જ તપસ્વી છે. આજની કથામાં ઉપસ્થિત પંજાબના ગવર્નર શ્રી ગુલાબચંદ કટારીયાજીએ જણાવ્યું કે હું બાપુને વર્ષોથી સાંભળતો આવ્યો છું. મારા જીવનમાં તેના સૂત્રાત્મક સંદેશાઓને જીવતો આવ્યો છે.પદ આજે છે અને કાલે નથી પણ જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે સતત વર્તતો આવ્યો છું.
આ પ્રકારનું આયોજન વિશ્વ શાંતિ માટે ખૂબ મહત્વનું છે.તે માટે હું લોકેશ મુનિજી મહારાજને ખૂબ અભિનંદન આપું છું. પંજાબ કેસરી દૈનિકના નિર્દેશક સુશ્રી કિરણ ચોપડાજીએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને જીવન માટે આ રામકથા એક બહુ મોટો સંદેશો લઈને જઈ રહી છે.
રશિયાના એલચી શ્રી એચ.ઈ. ડેનીસ એલીપોવે જણાવ્યું કે મને આ પ્રકારના એક દિવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જીવનની ધન્યતાની અનુભૂતિ થઈ રહી છે. શાંતિ અને ભાઈચારા માટે રશિયા અને ભારત એક સાથે ચાલી રહ્યા છે,ચાલતા રહેશે.
પનામા દેશના ભારતીય એલચી શ્રી એલોનોસા કોરિયા મેઘુલે જણાવ્યું કે મારા જીવનના કાર્યકાળમાં આ પ્રકારના કાર્યક્રમમાં પહેલી વખત ઉપસ્થિત રહીને હું ભાગ્યશાળી થયો છું. શ્રી લોકેશ મુનીજી મહારાજ કે જે આ કથાના મુખ્ય આયોજક છે તેમણે જણાવ્યું કે રશિયાના એલચી તો અહીં ઉપસ્થિત છે પણ જો યુક્રેનમાં એલચી પણ ઉપસ્થિત રહે અને આ કથાના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો લઈને આપણે જઈએ અને યુદ્ધને રોકાવી શકીએ તો એક બહુ મોટું પુણ્યશાળી કામ આ કથાના માધ્યમથી થશે તેનો મને ભરોસો છે.
આજની કથામાં સમગ્ર હોલમાં ખૂબ મોટાં પ્રમાણમાં દિલ્હી વાસીઓ ઉપસ્થિત હતાં.તેમને બાપુએ જ દિલ્હીવાસી નહીં પણ પોતાના દિલવાસી કરીને સંબોધ્યા હતાં.
.










