![]()
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠકમાં શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવા મુદ્દે ચર્ચા થઇ હતી. હાલ શહેરમાં એક જ વ્હીકલ પુલ શાખા છે, અને વર્ષોથી ચારેય ઝોનમાં આ શાખા શરૃ કરવા માગણી થાય છે.
શહેરની મધ્યમાં વ્હીકલ પુલ શાખા પાસે હાલ નાનામોટા ૩૦૦ જેટલા વાહનો છે. જેમાં ડમ્પરો, જેસીબી, ગાડીઓ, રોડ રોલર વગેરે છે અને ૧૯ વોર્ડમાં કામગીરીની આવશ્યકતા મુજબ અહીંથી વાહનો ફાળવવામાં આવે છે. કોર્પોરેશનનો વિસ્તાર વધતા કામગીરી વધી છે અને ઘણીવાર જરૃરી વાહનો મળતા નથી તેવી ફરિયાદો કોર્પોરેશનની સભામાં પણ ઊઠે છે.
કોર્પોરેટરો અવારનવાર કહેતા રહ્યા છે કે ચારે ઝોનમાં વ્હીકલ પુલ શાખા હોવી જરૃરી છે. અહીંથી વાહનો દૂરના વોર્ડમાં મોકલવામાં આવે છે ત્યારે એક તો સમય જાય છે અને ડીઝલનો બગાડ થાય છે.
ચારેય ઝોનમાં નક્કી કરેલા પમ્પ પરથી વાહનોમાં ડીઝલ પૂરાવવાની વ્યવસ્થા રાખવી જોઇએ. આ માટે કૂપન સિસ્ટમ રાખવી જોઇએ અને સીસીટીવી આધારે તેનું રેકોર્ડિંગ કરવું જોઇએ. હાલ વ્હીકલ પુલ શાખાના પમ્પમાં બજાર ભાવ કરતા ડીઝલનો વધુ ભાવ આપવો પડે છે. ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા ચાલુ થાય તો જે કંપનીના નવા વાહનો ખરીધ્યા હોય તે કંપનીનો મિકેનિકલ રાખવો જોઇએ. એકબે જગ્યાએ જે તે કંપનીના વર્કશોપ રાખવા જોઇએ અને ત્યાં જ વાહનોનું રિપેરિંગ થવું જોઇએ. જેસીબી સહિતના નવા જે વાહનો આવ્યા છે, તે ચલાવવા માટે ડ્રાઇવરોને તાલીમ આપવી જોઇએ. રોલર, જેસીબી, ટ્રક અને ટ્રેકટરનો ડ્રાઇવર એક જ ન રાખવો જોઇએ.










