વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યારે માંજલપુર વિસ્તારના યુવકો દ્વારા ગણેશ પંડાલોમાંથી શ્રીજી નિર્માલ્ય ઉઘરાવી ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
માંજલપુર વિસ્તારના લગભગ ૮૦ જેટલા યુવકોના ગુ્રપ દ્વારા ગણેશોત્સવ દરમિયાન જુદાજુદા પંડાલોમાં પહોંચી જઇને ઉતરેલા પૂજાપો,ફૂલહાર અને અન્ય સામગ્રી ઉઘરાવી પર્યાવરણની જાળવણીનો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે.
કાર,રિક્ષા અને ટુવ્હીલરો પર શહેરના જુદાજુદા વિસ્તારોમાં પહોંચી જતા યુવકો રોજ એક છોટાહાથી ટેમ્પો ભરાય તેટલું નિર્માલ્ય એકત્રિત કરી રહ્યા છે.ગુ્રપ ચલાવતા મુકેશ રાજપૂતે કહ્યું હતું કે,અમને જે પણ વિસ્તારમાં કોલ મળે ત્યાંથી ફૂલહાર ઉઘરાવવા જઇએ છીએ.
અમારી સાથે વિવિધ વિસ્તારના યુવકો સતત જોડાઇ રહ્યા છે અને પંડાલોમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી આ સેવાકાર્ય હજી પણ વધારવામાં આવનાર છે.
લોકોમાં જાગૃતિ,મોટા ફૂલહારને બદલે પાતળા અને પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ
શ્રીજી ના પંડાલોમાંથી ફૂલહાર અને પૂજાપા સહિતની ચીજોની ઉઘરાણી કરતા યુવા ગુ્રપને કારણે જાગૃતિ આવી રહી છે.અનેક મંડળો દ્વારા મોટા અને જાડા ફૂલહારને બદલે હવે પાતળા તેમજ પ્લાસ્ટિકના ફૂલહારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત સ્વચ્છતા માટે પણ તકેદારી લેવાઇ રહી છે.
વડોદરા બહાર પાદરામાં સેવાકાર્યનો વિસ્તાર
ગણેશ પંડાલોમાંથી પૂજાપો અને ફૂલહાર સહિતની ચીજો ઉઘરાવી તેનો યોગ્ય રીતે નિકાલ કરતા યુવકોનું સેવાકાર્ય હવે વડોદરા બહાર વિસ્તર્યું છે.પાદરા નગરમાંથી પણ શ્રીજી ના પંડાલોમાંથી આવી રીતે નિર્માલ્ય એકત્રિત કરવામાં આવી રહ્યું છે.










