![]()
કાયદાની જોગવાઈ મુજબ અનુમતિ મેળવી કોર્પોરેશનની સભા નિહાળતા હરણી બોટકાંડની પીડિત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાની નવાપુરા પોલીસે અટકાયત કરતા ભારે વિવાદ સર્જાયો હતો.
કાઉન્સિલરના અનુમતિ પત્રથી કોર્પોરેશનની સભા કોઈપણ નાગરિક પ્રેક્ષક ગેલેરીમાં બેસી નિહાળી શકે છે. ત્યારે આજે પ્રેક્ષક ગેલેરીમાં હરણી બોટકાંડમાં મોતને ભેટનાર બાળકોની માતા સરલા શિંદે અને સંધ્યા નિઝામા તથા કરણી સેનાના કાર્યકર્તા મહેન્દ્રસિંહ ઠાકોર સભા નિહાળી રહ્યા હતા. માત્ર બે ત્રણ મિનિટમાં જ મેયરની સૂચનાથી કોર્પોરેશનના ચીફ સિક્યુરિટી ઓફિસર મંગેશ જયસ્વાલે તેઓને બહાર કાઢી એસીપી સાથે વાત કરવાના બહાને પોલીસના હવાલે કરતા પોલીસે ત્રણેવની અટકાયત કરી હતી. જેથી વિપક્ષના સભ્યો તથા અપક્ષ કાઉન્સિલર પોલીસ મથકે દોડી ગયા હતા. અપક્ષ કાઉન્સિલર આશિષ જોશીનું કહેવું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ સભા નિહાળી રહ્યા હોવા છતાં ભાજપના દબાણથી કારણ વિના તેઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ વિપક્ષનું કહેવું હતું કે, સભામાંથી બહાર કાઢનાર ચીફ સિક્યુરિટી ઓફિસર સામે કાર્યવાહી થવી જોઈએ, લોકોને ઘરમાં જ નજરકેદ કરવા ઇમર્જન્સીનો જ ભાગ છે, પોલીસ ભાજપનો હાથો બની રહી હોય આ ઘટનાને વખોડીએ છીએ. જ્યારે પીડિતાઓનું કહેવું હતું કે, અમે વિરોધ કરવા માટે નહીં માત્ર સભા નિહાળવા માટે પહોંચ્યા હતા, હરણી બોટકાંડના આરોપીઓ જામીન પર ફરે છે અને અમને દોઢ વર્ષથી આવી રીતે હેરાનગતિ વેઠવી પડી રહી છે. આ અંગે નવાપુરા પીઆઇનુ કહેવું હતું કે , સુરક્ષાના કારણોસર તેમને નજરકેદ કરવા માટે અટકાયત કરી હતી.
ભલામણ કરનાર કાઉન્સિલર સામે શિસ્તને વરેલી ભાજપ પાર્ટી કાર્યવાહી કરશે!
પ્રેક્ષક ગેલેરીમાં બેસી કોર્પોરેશનની સભા નિહાળવા નાગરિકો માટે કાઉન્સિલરની અનુમતિ જરૂરી હોય છે. આ પીડિત મહિલાઓને અપક્ષ કાઉન્સિલર આશિષ જોષી તથા ભાજપના મહિલા કાઉન્સિલર પારૂલબેન પટેલની અનુમતિથી સભા સેક્રેટરીએ સભા નિહાળવા માટે પ્રેક્ષક ગેલેરી પાસ ફાળવ્યા હતા. ત્યારે હવે શિસ્તને વરેલી ભાજપ પાર્ટી આ અંગે મહિલા કાઉન્સિલર સામે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.










