![]()
વડોદરા,સયાજીપુરાની જમીન વેચાણ કર્યા પછી મૂળ ખેડૂતો તથા તેમના વારસદારોએ અન્ય વ્યક્તિને સમજૂતી કરાર કરી આપ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાંદલજા ઝમઝમ પાર્કમાં રહેતા શાહીદહુસેન અમીરમીંયા સિન્ધી જમીન લે – વેચનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સુરત અઠવા લાઇન્સ પ્લેટિનમ પ્લાઝામાં રહેતા રજનીભાઇ જીવરાજભાઇ દેસાઇએ વડોદરાના સયાજીપુરા ગામે આવેલી જમીનનો વેચાણ સિવાય ફક્ત વહીવટી કામકાજ માટે પાવર ઓફ એટર્ની આપી હતી. સયાજીપુરા ગામની જમીનના મૂળ માલિકોએ રજનીભાઇ દેસાઇને આ જમીન વર્ષ – ૨૦૧૯ માં વેચાણ કરી આપી રૃપિયા લીધા હતા. તેમછતાંય મૂળ માલિકો તથા તેઓના વારસદારોએ પ્રશાંત દેસાઇ સાથે મળીને પ્રશાંત દેસાઇની તરફેણમાં સમજૂતી કરાર કરી આપ્યો હતો. પ્રશાંત જીતેન્દ્રભાઇ દેસાઇ (રહે. અર્થ બંગ્લોઝ, અક્ષર ચોક, જૂના પાદરા રોડ) તથા જમીન માલિકો (૧) પ્રવિણ છગનભાઇ પટેલ (રહે. વ્રજધામ સોસાયટી, ન્યૂ વી.આઇ.પી. રોડ) (૨) અંબાલાલ મોતીભાઇ પટેલ (૩) ચંદ્રકાંત અંબાલાલ પટેલ (૪) રાજેન્દ્ર અંબાલાલ પટેલ (રહે. તુલસીપુરા ગામ,તા.સાવલી) (૫) જય પ્રદિપભાઇ (૬) ભરત પ્રદિપભાઇ પટેલ (૭) કિરણ શાંતિલાલ પટેલ (રહે. માધવ સોસાયટી, કારેલીબાગ) તથા (૮) સંજય શાંતિલાલ પટેલ (રહે. સરકાર ફળિયું, નિકોરા ગામ,ભરૃચ) ભેગા મળીને રજનીભાઇ દેસાઇ પાસેથી જમીનના અવેજની રકમ તરીકે ૧.૫૨ કરોડ લેવા છતાંય જમીન પચાવી પાડવાનું કૃત્ય કર્યુ હતું. ફરિયાદીનું કહેવું છે કે, પ્રશાંત દેસાઇએ જમીન અંગે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની ફરિયાદ અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જેમાં સમાધાન થઇ ગયું હતું. સયાજીપુરાની જે જગ્યાનો વિવાદ ચાલે છે, તે ૨.૬૬ લાખ ચોરસ ફૂટ જગ્યાની કિંમત હાલમાં અંદાજે ૧૦૦ કરોડ થાય છે.










