![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોને કેમ્પસમાંથી રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે આદેશ આપતો પરિપત્ર સરકારની ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા પાઠવવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં આ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન આપવામાં આવી છે અને તેનું પાલન શૈક્ષણિક સંસ્થાઓએ કરવાનું છે.
પરિપત્રમાં અપાયેલી સૂચના અનુસાર તો એમ.એસ.યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓનો ત્રાસ દુર કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે.ઉપરાંત કેમ્પસમાં રખડતા કૂતરાઓનો પ્રવેશ અટકાવવા માટે શું પગલા લીધા તેની જાણકારી પણ સરકારને આપવાની રહેશે.સાથે સાથે કૂતરાઓ કેમ્પસમાં પ્રવેશે નહીં તે માટે સુરક્ષા કર્મચારીઓનો પણ તૈનાત કરવાના રહેશે.યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે અને તેની જાણકારી પણ સરકારને પૂરી પાડવી પડશે.આ પરિપત્રના કારણે હવે યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓ પર પણ ધ્યાન આપવું પડશે.જોકે નોડલ ઓફિસર તરીકે અધ્યાપકની નિમણૂક કરવાની કે બિન શૈક્ષણિક કર્મચારીની કે યુનિવર્સિટીના કોઈ અધિકારીની …તેની સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી નથી.
યુનિ.સત્તાધીશોએ હજી કોઈ કાર્યવાહી નથી કરી, ડીનો સુધી પરિપત્ર પહોંચ્યો પણ નથી
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સરકારે તા.૧૭ ડિસેમ્બર સુધીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે લીધેલા પગલાની જાણકારી માંગી હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.નોડલ ઓફિસરની પણ નિમણૂકની હિલચાલ હજી સુધી થઈ નથી.કેટલાક ફેકલ્ટી ડીનો સુધી તો આ પરિપત્ર પણ પહોંચ્યો નથી તેવું કહેવાઈ રહ્યું છે.










