![]()
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ગઈ રાત્રે સરગાસણમાં ચાલતી જઈ રહેલી દિલ્હીની યુવતીને પૂર ઝડપે જતી
બીએમડબલ્યુ કારના ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ
મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપી કાર
ચાલકની ધરપકડ કરી લીધી હતી.
ગાંધીનગર શહેરના માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે અને હવે માર્ગો ઉપર ચાલવું પણ જાણે જોખમકારક બની ગયું હોય તેવી
સ્થિતિ સર્જાઇ છે. ગઈકાલે રાત્રે સરગાસણ વાછાણી હોસ્પિટલના માર્ગ ઉપર ચાલતી જઈ
રહેલી યુવતીનું બીએમડબલ્યુની અડફેટે મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ દિલ્હીની વતની અને હાલ સરગાસણની વૃંદાવન
રેસીડેન્સીમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતી શાંતા અંકુશ સુનાર તેની
મિત્રો સાથે ઇન્ફોસિટી ખાતે જમવા માટે ગઈ હતી અને જ્યાંથી તે પરત તેના ઘર તરફ જઈ
રહી હતી. આ દરમિયાન સરગાસણ વાછાણી હોસ્પિટલ જવાના માર્ગ ઉપર પૂર ઝડપે જઈ રહેલી
બીએમડબલ્યુ કારના ચાલકે શાંતાને અડફેટે લીધી હતી અને તેના શરીરે ગંભીર ઇજાઓ
પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ આસપાસના લોકો
એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ આ યુવતીની ઓળખ માટે મથામણ શરૃ કરી હતી. જોકે તેની
અન્ય મિત્રોને જાણ કરવામાં આવી હતી અને તેઓ સ્થળ ઉપર આવી ગયા હતા. ત્યારબાદ આ
સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે બીએમડબલ્યુ કારના ચાલક
કુડાસણની વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા યુવાન હર્ષ અમરભાઈ મોરેશ્વરની ધરપકડ કરી
લીધી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે રાત્રે કાર લઈને આંટો મારવા માટે
નીકળ્યો હતો અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ
તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી
રહ્યા છે.










