![]()
– રિપ્લેસમેન્ટ કિટ નહી આવતી હોવાથી છેલ્લા 3 માસથી
– ઓપરેશનમાં વેઈટિંગથી દર્દીઓને સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું પડે છે
ભાવનગર : શહેરની સર ટી. હોસ્પિટલમાં છેલ્લા આશરે ૩ માસથી ઘુંટણ અને થાપાની રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી ઓપરેશન બંધ હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ ઓપરેશનમાં વેઈટિંગના કારણે દર્દીઓને અમદાવાદ કે વડોદરા સારવાર માટે જવું પડી રહ્યું છે.
જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં છેલ્લા આશરે ત્રણ માસથી ઘુંટણ અને થાપાની રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી ઓપરેશન બંધ હોવાથી ઘુંટણ અને થાપાના દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આયુષ્માન કાર્ડ હેઠળ ૬૦ વર્ષથી નીચેના દર્દીઓના આવા ઓપરેશન હાલ બંધ હોવાથી દર્દીઓએ સારવાર માટે અમદાવાદ કે વડોદરા જવું પડે છે. બીજી તરફ રિપ્લેસમેન્ટ કીટ નહી આવતી હોવાથી હાલ ૨૦ દર્દીઓ વેઈટિંગમાં છે જ્યારે અમુક દર્દીઓ ડિસ્ચાર્જ લઈને ચાલ્યા ગયા છે. ઘુંટણ અને થાપાના ઓપરેશન માટેની કીટની પીએમ જનઔષધી કેન્દ્ર પરથી ખરીદવાનું ગત તા.૨૬-૦૮-૨૦૨૫ના રોજથી બંધ થતાં હોસ્પિટલ પાસે જેમ પોર્ટલ અને એન પ્રોક્યોરમાંથી જ કિટ ખરીદવાનો વિકલ્પ બચ્યો છે પરંતુ એન પ્રોક્યોરની હોસ્પિટલ પાસે મંજુરી નહી હોવાથી ત્યાં વાર્ષિક ખરીદીની મર્યાદા હોવાથી મર્યાદિત રિપ્લેસમેન્ટ કિટ આવતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ આવે તે જરૂરી છે.
વહીવટી પ્રક્રિયા શરૂ છે, વહેલી તકે આ પ્રશ્નનું નિરાકણ આવી જશે : તબીબી અધિક્ષક
જેમ પોર્ટલમાં ખરીદીમાં વાર્ષિક લીમીટ હોવાથી મર્યાદિત કીટ આવતી હોવાથી દોઢ માસથી આ પ્રશ્ન ઉદભવેલો છે અને તેના નિરાકરણ માટે એન પ્રોક્યોરની મંજુરી મેળવવાની તેમજ રોગી કલ્યાણ સમિતિમાંથી દર્દીઓને મહત્તમ ફાયદો થાય તે માટેના પ્રયાસો વહીવટી પ્રક્રિયામાં છે. જેમ બને તેમ વહેલું આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે તેમ તબીબી અધિક્ષકે જણાવ્યું હતું.










