![]()
Relief Package In Gujarat: ગુજરાતના પાયમાલ થયેલા ખેડૂતોને રાહતના નામે જાહેર કરવામાં આવેલું 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ અને ટેકાના ભાવે 15 હજાર કરોડ રૂપિયાની ખેત જણસોની ખરીદીની જાહેરાતોમાં રાજ્ય સરકાર ખેડૂતોને ઉલટા ચશ્મા પહેરાવ્યાં છે. કારણ કે છેલ્લા દસેક દિવસના વાયદા-વચનો બાદ સરકારે કોઈ વિશેષ સહાય જાહેર કરી નથી. અત્યાર સુધી ચાલી આવતી પરંપરા અનુસાર જ ખેડૂતોને સહાય મળશે.
ગુજરાત સરકારે કમોસમી મેઘતાંડવથી અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યારે જાણકાર સૂત્રો આ સહાયને લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે. કારણ કે એસડીઆરએફ દ્વારા ત્રણ વર્ષ માટે ખેતીના પાકોમાં નુકસાની માટે હેક્ટરે 17 હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી કરાયું છે. જેમાં સરકારે 5 હજાર રૂપિયા ટોપઅપ તરીકે જેતે સમયે ઉમેર્યા હતા. એટલે ગત બે વર્ષ દરમિયાન પણ ખેતીના પાકોમાં થયેલી નુકસાની પેટે હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય જ ચૂકવાઈ છે. તેમાં આ વખતે કોઈ વધારો થયો નથી. નુકસાનીનો વિસ્તાર વધારે હોવાથી પેકેજનો કુલ આંકડો જ વધ્યો છે.
બાકી સરકારે ખાસ કંઈ ઉકાર્યું નથી. વળી ટેકાના ભાવે 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે જણસો ખરીદવાની વાતો કરી સરકાર ખેડૂતોને મદદ કરતી હોવાનો ડોળ કરે છે. કારણ કે ગત વર્ષ 2023-24માં સરકારે ટેકાના ભાવે આ આંકડા કરતા વધારે રકમ એટલે કે 16 હજાર કરોડ રૂપિયાની ખેત ઉત્પાદનોની ખરીદી કરી હતી.
આ પણ વાંચો: પાક પલડતાં ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા: અમદાવાદમાં ફક્ત 5 અને રાજકોટમાં અઢી રૂપિયા ભાવ!
20-25 વિઘાના પાકનો સોંથ વળી ગયો હોય તો પણ સહાય 12.5 વિઘાની જ મળશે!
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો રીતસરના પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેતોને ભલે ગમે એટલું વધારે નુકસાન થયું હોય, સરકારી નિયમ મુજબ ફક્ત બે હેક્ટર સુધી 44 હજાર રૂપિયાની સહાય જ મળશે. ખેતીની જમીનમાં 20થી 25 વિઘાના પાકનો સોંથ વળી ગયો હોય તો પણ ખેડૂતોને ફક્ત 12.5 વિઘાની સહાય જ મળશે.
મગફળીના વાવેતરમાં વિઘે 13થી 14 હજારનો ખર્ચ
કમોસમી વરસાદમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે. મગફળીના વાવેતરમાં બિયારણ, ખાતર, દવા, પિયત, મજૂરી વગેરે મળીને સરેરાશ 13થી 14 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેની સામે સરકારે જાહેર કરેલી હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય મુજબ ખેડૂતોને માત્ર 3520 રૂપિયા જ મળશે. છતા સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાની વાતો કરે છે.










