![]()
વડોદરા : ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા શહેરમાં દર વર્ષની માફક આ
વર્ષે પણ દશેરાના દિવસે રાવણ દહન તેમજ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ
આજે ગુરુવારે સાંજે અચાનક જ ધોધમાર વરસાદ પડતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ
મોકુફ રાખવો પડયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, હવે આજે શુક્રવારે
રામલીલા તેમજ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.જો વરસાદ પડશે તો માત્ર રાવણ દહન
કરવામાં આવશે.
સંઘના જનરલ સેક્રેટરી મિશ્રાએ જણાવ્યું હતું કે, આજે
સાંજે સાડા પાંચ વાગે રામલીલા શરુ થવાની હતી પરંતુ તે પહેલા જ વરસાદ પડતા
ગ્રાઉન્ડમાં વરસાદી પણી ભરાઇ ગયા હતા. રામલીલાના તમામ કલાકારોની ઇચ્છી હતી કે,
એક દિવસ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે એટલે હવે શુક્રવારે રામલીલા
અને રાવણ દહન યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાવણ,કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને પાતળા પ્લાસ્ટીકનું આવરણ કરવામાં આવ્યું
છે.
વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા શુક્રવારે સવારે
ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવશે અને રાવણ દહન જોવા માટે આવતા
લોકોને કોઇ તકલીફ ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.સામાન્ય રીતે દર વર્ષે
રાવણ દહન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે પરંતુ આ વર્ષે લોકો મોટી
સંખ્યામાં આવે તે પહેલા જ વરસાદ શરુ થઇ ગયો હતો.
રામલીલાના કલાકારો વરસાદમાં અટવાયા
પોલોગ્રાઉન્ડ ખાતે રાવણ દહન પહેલા રામલીલા યોજાતી હોવાના કારણે
તેમાં ભાગ લેતા ૧૫૦ જેટલા કલાકારો વેશભુષા સાથે ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જો કે, વરસાદ
પડતા ખુબ જ મહેનતથી વેશભુષામાં તૈયાર થઇને આવેલા થયેલા કલાકારો વરસાદમાં પલળી ગયા
હતા. જે કલાકારો ટુ વ્હીલર પર બેસીને ગ્રાઉન્ડ આવી રહ્યાં હતા તેઓ રસ્તામાં જ પલળી
જતાં તેમનો મેકઅપ પણ ધોવાઇ ગયો હતો. આખરેે રામલીલા શુક્રવારે યોજવાનો નિર્ણય
લેવાયો હતો.










